Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

કચ્છમાં ઝરમર : વાવાઝોડાની ચેતવણીના પગલે એનડીઆરએફની ટીમો તૈનાત

કંડલા-મુન્દ્રા પોર્ટ તથા ઔદ્યોગિક એકમો અને શાળા-કોલેજો ધમધમતા

ભુજ, તા. ૧પ : કચ્છમાં હવામાન વિભાગ દ્વારા 'વાયુ' વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે જેના પગલે એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

જયારે આજે સવારે કચ્છમાં કોઇ કોઇ સ્થળોએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

પશ્ચિમ દિશામાં જઇ રહેલું વાવાઝોડું-વાયુ આગામી ૪૮ કલાક પછી વળાંક લઇને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા. ૧૭ કે ૧૮ જૂને કચ્છ જિલ્લાને સ્પર્શે એવી સંભાવના છે.

મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડું વળાંક લે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઇ છે અને તા. ૧૭ કે ૧૮ જૂન દરમિયાન ડીપ ડિપ્રેશન કે સાયકલોનિક સ્ટોર્મ તરીકે ઘટેલી તીવ્રતા સાથે કચ્છને સ્પર્શે એવી સંભાવના જણાઇ રહી છે.

હવામાન વિભાગના પૂર્ણ સંકલન સાથે રાજય સરકાર તમામ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. સાવચેતીના પૂરતા પગલા લેવાઇ રહ્યા છે. શ્રી પંકજકુમારે નાગરિકોને કોઇ પણ જાતનો ભય અને મનમાં નહીં આણવાની અપીલ કરતા જણાવ્યું છે કે, રાજય સરકાર પરિસ્થિતિ પર સંપૂર્ણ નજર રાખી રહી છે અને સમગ્ર પરિસ્થિતિ રાજય સરકારના નિયંત્રણમાં છે.

કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના એક ઉચ્ચાધિકારીના જણાવ્યા અનુસાર વાયુ સાઇકલોને તેની ધરી બદલી છે અને હવે તે ઉંધુ ફરી રહ્યું છે. આ બદલાયેલી સ્થિતિને જોતા તે ૧૬ જૂનના રોજ ઉંધુ ફરીને ૧૭ તથા ૧૮ જૂનની વચ્ચે ગમે ત્યારે ગુજરાતના કચ્છ પર ત્રાટકી શકે છે. જોકે, આ વખતે નેની તીવ્રતા પહેલા જેટલી નહીં હોય.

કેન્દ્રીય ભૂવિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને પીટીઆઇને જણાવ્યું હતું કે, વાયુ સાઇકલોનનો ખતરો હજી ટળ્યો નથી. તેની તીવ્રતા ચોક્કસપણે ઘટી રહી છે, પરંતુ તે ડીપ ડીપ્રેશન અથવા તો સાઇકલોનિક સ્ટોર્મ તરીકે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકે તેવી પૂરેપૂરી શકયતા છે. ગુજરાત સરકારને આ સાઇકલોનિક સેર્મના પાછા ફરવા વિશે સાબદી કરી દેવામાં આવી છે અને રાજય સરકાર પણ તમામ સંભવિત પગલા લઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, સાઇકલોન વાયુ ગત ગુરૂવારે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકવાનું હતું. અલબત્ત, બુધવારે રાત્રે મધદરિયે તેની ધરી બદલાતા ગુરૂવાર સુધીમાં તો તે ઓમાન તરફ ફંટાઇ ગયું હતું. તે ગુજરાતના ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર પાસે થઇને પસાર થઇ ગયું હતું અને દરિયા તરફ આગળ વધ્યું હતું.

(ભુજ) વાયુ વાવાઝોડાનું સંકટ હળવું થતાં જ કચ્છમાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. જિલ્લા કલેકટર રેમ્યા મોહને ખાસ પરિપત્ર જાહેર કરીને તા. ૧૩ થી ૧પ સુધી ઔદ્યોગિક એકમોને બંધ રાખવાના કરેલા આદેશને રદ કરીને આજ તા. ૧૪/૬ થી રાબેતા મુજબ કરી કામ શરૂ કરવા જણાવ્યું છે. જોકે સાથે કામદારોની સુરક્ષા અને સલામતી ધ્યાને રાખવા ટકોર પણ કરી છે. બીજી બાજુ કંડલા પોર્ટ અને મુન્દ્રા પોર્ટ દ્વારા ૯ નંબરનું અતિ ભય સુચક સિગ્નલ હટાવી લેવાયું છે અને ર નંબરનું સિગ્નલ લગાવાયું છે સાથે સાથે બન્ને બંદરોએ જહાજોનું આવાગમન અને લોડીંગ અનલોડીગનું કામ ધીરે ધીરે શરૂ કરી દેવાયું છે. મુંબઇ-કચ્છ-મુંબઇ વચ્ચેની બંધ કરાયેલી હવાઇ અને ટ્રેન સેવા પૂર્વવત શરૂ થઇ ગઇ છે. જોકે, માહોલ વરસાદી છે અને કદાચ હજી વધુ વરસાદ થાય તેવી શકયતા પણ છે તેમ છતાંયે આજથી મુંબઇના દાદર, બાન્દ્રાથી ગાંધીધામ ભુજ જતી ટ્રેનો શરૂ થઇ ગઇ છે. એ જ રીતે મુંબઇથી કંડલા તેમજ ભુજ જતી ફલાઇટ પણ આજે શરૂ થઇ ગઇ છે.

'વાયુ' વાવાઝોડાની પ્રતિકુળ અસરોથી બચવા માટે પોર્ટ પ્રશાસન દ્વારા અભિયાન છેડીને કંડલાથી લોકોને સ્થળાંતરીત કરવાથી લઇ દરેક પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા ત્રણ કંટ્રોલ ઉભા કરવા અને વિપતીના સમયે ઓછામાં ઓછા નુકસાનનો સામનો કરવો પડે તેવા પ્રયાસો કર્યા હતા. વાતાવરણ અનુકુળ બનતા પ્રશાસન દ્વારા ફરી પોર્ટ પર કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેથી આજે રાત્રે ર વાગ્યા સુધીમાં કાર્ગો જેટી પર ૧પ અને ઓઇલ જેટી પર ૬ જહાજ લાંગરવામાં આવશે. આ જહાજો ઓટીબીમાં આવી ચૂકયા છે. આજથી વધુ એક વાર દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ધમધમી ઉઠયા છે.

(11:25 am IST)