Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

મોરબી નગરપાલિકામાં સત્તા પરિવર્તનઃ પોણા બે વર્ષ બાદ કોંગ્રેસનું શાસન

મોરબી તા. ૧ પઃ મોરબી નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા કોંગ્રેસ પક્ષને અસંતુષ્ટ સદસ્યોને કારણે સત્તા ગુમાવવી પડી હતી તો ફરીથી પોણા બે વર્ષ સત્તાવિહોણી કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણીમાં કોંગ્રેસના હોદેદારો ચુંટાઇ આવતા ફરીથી શાસનની ધુરા કોંગ્રેસે સંભાળી છે.

મોરબી નગરપાલિકાની અઢી વર્ષ પૂર્વે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને પર માંથી ૩ર બેઠકો સાથે બહુમતી મળી હતી જોકે કોંગ્રેસે શાસન સાંભળ્યા બાદ પક્ષના ૧ર સદસ્યોએ બગાવત કરી સત્તા આંચકી હતી તો બાદમાં ભાજપે અસંતુષ્ટો સાથે મનમેળ કરીને સત્તા અંકે કરી હતી. જેથી અગાઉ પાલિકામાં ત્રણ વખત સત્તા પરિવર્તન થઇ ચુકયા છે. તો મહિલા પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતી હોવાથી આજે પાલિકાના સભાખંડમાં ડેપ્યુટી કલેકટર એસ. જે. ખાચર અને ચીફ ઓફિસર ગીરીશ સરૈયાના અધ્યક્ષસ્થાને ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે વ્હીપ એટલે કે પક્ષના મેન્ડેડ મળેલા હોદેદારને મતદાન કરવા આદેશ આપ્યો હતો. જો કે સસ્પેન્ડ થયેલા સાત સદસ્યો મતદાનથી વંચિત રહેતા ૪પ સદસ્યોએ જ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં રપ સભ્યો સાથે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ ચુંટાઇ આવ્યા હતા ભાજપે પ્રમુખપદ માટે જયરાજસિંહ જાડેજા અને ઉપપ્રમુખ માટે જયોત્સનાબેન ભીમાણીને મેદાને ઉતાર્યા હતા જે બંનેને ર૦-ર૦ મતો મળ્યા હતા. જયારે કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર કેતનભાઇ વિલપરાને રપ મતો જયારે ઉપપ્રમુખ પદના દાવેદાર એમણાબેન મોવરને રપ મતો મળતા તે ચુંટાઇ આવ્યા હતા.

મોરબી નગરપાલિકાના ૧૩ વોર્ડના પર સદસ્યોનું સંખ્યાબળ છે જો કે કોંગ્રેસ પક્ષ સામે બગાવત કરનાર સાત સદસ્યોને પક્ષાંતર ધારા હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાથી તે આજે મતદાન કરી ના શકયા હતા જો કે સસ્પેન્ડ સભ્યો છેક હાઇકોર્ટ સુધી દોડી આવ્યા છતાં સરાહત મળી ના હતી જેથી બાકી રહેલા ભાજપના ર૦ અને કોંગ્રેસના રપ એમ ૬પ સભ્યોએ જ મતદાનમાં ભાગ લીધો હતો.

મોરબી નગરપાલિકામાં સત્તા પરિવર્તન અને સત્તાની ખેંચતાણને પગલે આજે પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ના બને તેવા હેતુથી પોલીસમનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો એ ડીવીઝન પી.આઇ. આર. જે. ચૌધરી અને તેની ટીમ ખડેપગે રહી હતી અને પાલિકાના સદસ્યો અધિકારીઓ અને સ્ટાફને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

(1:20 pm IST)