Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

ઘેટા-ઉન વિકાસ નિગમના ભવાનભાઇ ભરવાડ કહે છે

રાજયનું કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે જ શાળા પ્રવેશોત્સવ થાય છેઃ સુરેન્દ્રનગરના વિઠ્ઠલગઢમાં શાળા ઉત્સવ

સુરેન્દ્રનગર, તા.૧પઃ કોઇપણ સમાજ શિક્ષિત હશે તો સમાજ અને રાજયને વિકાસની દિશા મળશે. શિક્ષણનું સ્તર ઉંચુ આવે તે માટે રાજય સરકારે શાળામાં લાઇટ, પાણી, શૌચાલય, શાળાના ઓરડા જેવી માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. રાજયનું કોઇ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળામાં સો ટકા નામાંકન થાય તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. તેમ ગુજરાત દ્યેટા અને ઉન વિકાસ નિગમના અધ્યક્ષ ભવાનભાઇ ભરવાડે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ તથા ઓળક ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેમણે બાળક અધ વચ્ચેથી શાળા છોડી જાય નહી તે માટે દરેક વાલીઓએ પણ ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો.

અધ્યક્ષશ્રીની ઉપસ્થિતિમાં વિઠ્ઠલગઢ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીમાં ૪ કન્યા, પ્રાથમિક વિભાગમાં ૧૮ કુમાર અને ૨૨ કન્યા મળી કુલ ૪૦ વિદ્યાર્થીઓ, માધ્યમિક વિભાગમાં ૫૦ કુમાર અને ૯ કન્યા મળી કુલ ૫૯ વિદ્યાર્થીઓ તેમજ ઓળક ખાતે આંગણવાડીમાં ૩ કુમાર અને ૨ કન્યા મળી કુલ ૫ વિદ્યાર્થીઓ, પ્રાથમિક વિભાગમાં ૧૫ કુમાર અને ૧૦ કન્યા મળી કુલ ૨૫ વિદ્યાર્થીઓ, માધ્યમિક વિભાગમાં ૧૭ કુમાર અને ૨૪ કન્યા મળી કુલ ૪૧ વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવવામાં આવેલ હતો.

અધ્યક્ષશ્રીના હસ્તે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પુસ્તકોનો સેટ રમકડાની કીટ આપવામાં આવેલ હતી તેમજ ગામના વયોવૃધ્ધ તથા દાતાઓનું સન્માન તેમજ શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું. ધોરણ-૩ થી ૮ માં પ્રથમ સ્થાને આવેલ વિદ્યાર્થીઓને અધ્યક્ષશ્રીના હસ્તે પુસ્તક આપી સન્માનિત કરાયા હતાં. શાળાના બાળકોએ સ્વાગત ગીત તેમજ યોગ નિદર્શનો રજુ કર્યા હતાં. બેટી બચાવો બેટી પઢાવો તથા શિક્ષણનું મહત્વ અંગે શાળાના વિદ્યાર્થીઓએ વકતવ્યો રજુ કયાં હતાં.

આ પ્રસંગે તાલુકા શિક્ષણાધિકારીશ્રી વી.ડી. દેવથળા, બી.આર.સી. કોર્ડીનેટરશ્રી વિષ્ણુભાઇ પટેલ, સી.આર.સી. કોર્ડીનેટરશ્રી જયેશભાઇ સુથાર, શાળાના આચાર્યશ્રીઓ સર્વશ્રી ઇલાબેન પટેલ, ર્ડા.કે.બી. રાઠોડ, હિતેન્દ્રસિંહ રાણા, અગ્રાણી સર્વશ્રી વનરાજસિંહ રાણા, રસીકભાઇ બાવળીયા, દેવાભાઇ ભરવાડ, રસિકભાઇ, હનિફભાઇ, અલ્પાબેન, મનિષાબેન, વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.   

(1:18 pm IST)