Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સુરેન્‍દ્રનગર જિલ્લામાં IAS અને IPS અફસરો દ્વારા શાળા પ્રવેશોત્‍સવનો શુભારંભ

સુરેન્‍દ્રનગર તા. ૧૫ : રાજય સરકાર રાજયમાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણીનો કાર્યક્રમનો શુભારંભ થયો છે. આ કાર્યક્રમના ભાગરૂપે સુરેન્‍દ્રનગર જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.સી. પટેલે વિગતો આપતા શાળામાં જણાવ્‍યું હતું કે, સુરેન્‍દ્રનગર જિલ્લામાં ૩૬૩૬ કુમારો તથા ૩૪૫૧ કન્‍યાઓ મળી કૂલ ૭૦૮૭ બાળકોનું  ધોરણ-૧માં નામાંકન પ્રથમ દિવસે કરવામાં આવ્‍યું છે. જયારે ધોરણ-૯માં ૪૬૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્‍યો છે. જયારે આંગણવાડી /બાલવાડીમાં ૩૮૧૭ ભુલકાઓને પ્રવેશ આપવામાં આવ્‍યો છે.

શ્રી પટેલે વધુમાં જણાવ્‍યું હતું. કે, નામાંકન થયેલ કન્‍યાઓ પૈકી ૧૦૧૪ કન્‍યાઓને વિદ્યાલક્ષ્મી બોન્‍ડ આપવામાં આવ્‍યા છે. આ પ્રવેશોત્‍સવને સફળ બનાવવા ૧,૬૭,૩૫૮ રૂપિયાની રોકડ તથા ૧૦,૫૬,૭૩૫ની કિંમતની ચીજ વસ્‍તુઓનું દાન અને સહકાર પ્રાપ્‍ત થયેલ છે. સૌથી વધુ નામાંકન સાયલા તાલુકામાં ૧૦૩૭ વિદ્યાર્થીઓનું થયું છે અને ૨૮ કુમાર અને ૧૯ કન્‍યાઓ મળી કૂલ ૪૭ વિકલાંગોનું નામાંકન કરવામાં આવ્‍યું છે.

જયારે ૫૭૬ જેટલા આઈ.એ.એસ. કક્ષાના સચિવો, પોલીસ અધિકારીઓ, વન વિભાગના ઉચ્‍ચ અધિકારીઓ તથા સચિવાલય ગાંધીનગરના વરિષ્‍ઠ અધિકારીઓ, ધારાસભ્‍યઓ અને પદાધિકારીઓએ સુરેન્‍દ્રનગર જિલ્લાના ૧૦ તાલુકાની મુલાકાત લીધી હતી અને છેક ઉંડાણ વિસ્‍તારમાં આવેલ  અલગ-અલગ શાળાઓની મુલાકાતો લીધી હતી અને દરેક શાળામાં કુમાર તથા કુમારીકાઓનું શાળામાં નામાંકન કર્યું હતું.

(12:57 pm IST)