Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

બોગસ પાસપોર્ટના કેસમાં જામનગરના વકીલ સહિતના આરોપીઓનો છૂટકારો

જામનગર તા.૧૫:સને ૨૦૦૭ના અરસામાં આર.આર.સેલ રાજકોટ થી જામનગર રેઇડ પાડવામાં આવેલ અને ઇ.પી.કોડ કલમ ૪૧૯,૪૨૦,૪૬૭,૪૬૮,૪૭૧ તથા પાસપોર્ટ એકટની કલમ-૧૨ (૧)(બી)(ડી) મુજબનો ગુન્હો નોંધાતા અત્રેની કોર્ટમાં કેસ ચાલી તા કોર્ટે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરેલ હતો.

આ બનાવની વિગત એવી છે કે, રેડ દરમ્યાન વંફાફળી ખાતે આવેલ આરોપી સુરેશભાઇ જેઠાભાઇના મકાનમાંથી મુદામાલ કબ્જે કરવામાં આવેલ અને ફરિયાદ પક્ષના આક્ષેપ અનુસાર ઉપરોકત આરોપીએ જુદા-જુદા નામે પાસપોર્ટ બનાવેલ અને બનાવટી દસ્તાવેજો ઉપજાવી અને વિદેશ જઇ આવેલ અને તેને સાચા તરીકે ઉપયોગમાં લીધેલ અને આવા દસ્તાવેજ બનાવવા સંબંધે વકીલ જયેશભાઇ એચ. પાટલિયાની સલાહ લીધેલ હોવા અંગેનો એક માત્ર આક્ષેપ કરી આરોપી સુરેશભાઇ જેઠાભાઇ નકુમ, અનોપસિંહ રૂપસિંહ સોઢા, નિર્મળ જેઠાભાઇ વોરિયા અને જયેશભાઇ એચ.પાટલિયા સામે તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

આ કેસમાં પુરાવા દરમ્યાન એકપણ સ્વતંત્ર સાહેદને તપાસમાં આવેલ નહોતા, કહેવાતા વ્યકિતના નામે પાસપોર્ટનો ઉપયોગ કરતા હતા તે વ્યકિતનું નિવેદન કે તપાસવામાં આવેલ નહોતા, પાસપોર્ટ એકટ તળેના આક્ષેપો સંબંધે લગત કચેરીના વડાની કોઇ પૂર્વ પરવાનગી લેવામાં આવેલ નહોતી અને આ અંગે કોઇ એકસ્પર્ટ એવીડન્સ ન હોવાના કારણે તેમજ આ દસ્તાવેજો ખોટા, બનાવટી અને ફોજ હોવા બાબતે ફરિયાદી અને રેડીંગ પાર્ટીના સભ્યોના પુરાવામાં જણાવવા માત્રથી આ દસ્તાવેજો ખોટા અને બનાવટી હોવાનું કાયદામાં સાબિત થતું નથી તેના માટે એકસ્પર્ટ એવીડન્સ આવશ્યક છે કે તેવી શંકાના આધારે આ દસ્તાવેજો ખોટા અને બનાવટી હોવાનું માની ન શકાય વગેરે તારણોના આધારે તેમજ વકીલ જયેશભાઇ એચ.પાટલિયા વિરૂધ્ધ કોઇ જ પુરાવો આવેલ ન હોવાથી બન્ને પક્ષોની દલીલો બાદ ચીફ જયુડીશિયલ મેજીસ્ટ્રેટ શ્રી ઇકરામખાન બી.પઠાણે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હૂકમ કરેલ છે.

આ કામમાં શ્રી જયેશભાઇ એચ.પાટલિયા વતી બચાવ પક્ષે વકીલ શ્રી અશ્વિન બી. મકવાણા રોકાયા હતા.

(12:03 pm IST)