Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

પોરબંદરમાં દર્દીઓની જીન્દગી સાથે ચેડાં કરતી પેથોલોજીસ્ટ વિનાની લેબોરેટરીઓ

તપાસ કરીને કડક પગલા લેવા આરોગ્ય વિભાગ ગાંધીનગરને રજુઆત

પોરબંદર તા.૧૫:પોરબંદર શહેર જિલ્લામાં મુખ્ય ૪ માન્ય પેથોલોજીસ્ટ સાથેની લેબોરેટરી સિવાય ઠેર-ઠેર પેથોલોજીસ્ટ વિનાની લેબોરેટરીના હાટડા તેમજ આવી લેબોરેટરીમાંથી આડેધડ રીપોર્ટ ઉપરથી દર્દીઓના જીવન સાથે ચેડાં થઇ રહયાની જાગૃત નાગરિક અનિલભાઇ રાણીંગાએ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવેલ છે કે, પોરબંદર જિલ્લામાં પેથોલોજીસ્ટ વિનાની ૮૦ જેટલી લેબોરેટરી ધમધમી રહી છે. અગાઉ અનેકવખત રજુઆત તથા આર.ટી.આઇ અરજી કરી છતાં સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી થઇ નથી.

સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન હેઠળ એમ.ડી. પેથોલોજીસ્ટ અથવા ડીસીવી ડિગ્રી ધરાવનાર દર્દીઓનો માન્ય લેબોરેટરી રીપોર્ટ આપી શકે છે. તેને બદલે ટેકનીશીયન વિના આડેધડ રીપોર્ટઆપી દેવાય છે.

ગાંધીનગર આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે તપાસ કરી કડક પગલા લેવા માંગણી ઉઠી છે.

જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એસ.કે. મોડને આ પ્રશ્ને ધ્યાન દોરતા તેમણે જણાવેલ હતું કે હજુ લેબોરેટરીની તપાસ કરવા સરકારની મંજુરી આવી નથી.

(12:02 pm IST)