Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

સાવરકુંડલાઃ મગફળી કૌભાંડ મુદ્દે વેરહાઉસ કોર્પોરેશનની નિતી જવાબદાર

સાવરકુંડલા તા.૧પઃ સાવરકુંડલા તાલુકા સહકારી ખ.વે. સંઘ લી.ના ચેરમેન દિપકભાઇ માલાણીએ રાજયના કૃષિમંત્રીશ્રીને પત્ર પાઠવીને રાજયનાં વેર હાઉસ કોર્પોરેશનની બદઇરાદાવાળી નિતી અને કાળા કારોબાર અંગે તપાસ કરાવીને તથ્ય માલુમ પડે તો કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે.

દિપક માલાણીએ વધુમાં જણાવ્યુ છે કે જે ખરીદનાર સ્થાનિક સંસ્થા આ અધિકારી સાથે અપ્રમાણિક વ્યવહારો કરે તો જ ટેકાના ભાવથી ખરીદાયેલ પાકને ગોડાઉનમાં જગ્યા આપવામાં આવે છે. નહીં તો ફોન ઉપર રવાનગી કરવાની હા પાડવામાં આવતી નથી, તેમજ આ રીતે બ્લેક મેઇલીંગ કરીને ખરીદનાર સંસ્થા પાસેથી અપ્રમાણીક વ્યવહારો કરવામાં ફરજ પાડવા માટે અવનવા કારસા ઘડવામાં આવે છે.

દિપક માલાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે હજારો મેટ્રીક ટન સંગ્રહ થઇ શકે તેવુ બધી રીતે સુવિધારૂપ ગોડાઉન છે. જીલ્લાના મંજૂર થયેલા કેન્દ્રો ઉપર ખરીદી બંધ છે તે બધા કેન્દ્રો ઉપરથી ખરીદી કરી શકાય તેમ છે અને બધો માલ સામાન સંગ્રહ થઇ શકે તેટલી ગોડાઉન કેપેસીટી  છે. ખરીદનાર સંસ્થા પાસેથી કાળા કારોબારની પ્રેકટીસ કરવાના  ઇરાદે વ્યવસ્થામાં કૃત્રિમ અવ્યવસ્થા ઉભી કરીને લાભાર્થીઓ અને સરકાર વચ્ચે અવરોધ ઉભો કરવાનું ષડયંત્ર હોય તેવુ લાગી રહ્યુ છે.  તેઓએ વધુમાં જણાવ્યુ છે ક, ગોંડલ, શાપર વેરાવળ, વગેરે સ્થળોએ  સરકારશ્રીની હસ્તકની મગફળીની આગના બનાવો બન્યા  છે જેમાં સંડોવાયેલા સામે પગલા ભરવા દિપકભાઇ માલાણીએ માંગણી કરી છે.

(11:43 am IST)