Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વાલીઓ જ પોતાના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા ઉત્સાહ દાખવેઃ ડીડીઓ ખટાણા

માળીયા તાલુકાના કુંતાશી-સરવડ ગામની શાળામાં ૧૦૮ બાળકોને પ્રવેશ અપાયો

મોરબી, તા.૧૫:શાળામાં પ્રવેશપાત્ર પ્રત્યેક બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તે જોવાની જવાબદારી મા બાપની છે. જે જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે જરૂરી છે. તેમ મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.એમ. ખટાણાએ  માળીયા તાલુકાના કુંતાશી અને સરવડ ગામોએ શાળા પ્રવેશોત્સવ કન્યા ઉજવણી મહોત્સવ-૨૦૧૮ ના યોજાયેલ કાર્યક્રમમાં  જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખટાણાએ  કહયું કે સરકાર દવારા પુરતા શૈક્ષણિક  સાધનો, વર્ગખંડો પાઠયપુસ્તકો સહિતની સવલતો અપાઇ રહી છે.  ત્યારે દરેક વાલી પોતાનું બાળક શિક્ષણથી વંચિત  ન રહે તે માટે જાગૃતિ કેળવે તેમ જણાવી શાળામાં શિક્ષકો બાળકોને શિક્ષણ સાથે  સંસ્કાર આપવાનું કાર્ય સારી રીતે નિભાવે તેમ તેમણે જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખટાણા અને ઉપસ્થિત  મહાનુભાવોએ  કુંતાશી ખાતેની હાઇસ્કૂલમાં કુલ-૩૦ અને પ્રાથમિક શાળામાં કુલ-૧૨ બાળકોને જયારે સરવડ ખાતેની હાઇસ્કુલમાં કુલ-૪૫ અને પ્રાથમિક શાળામાં કુલ -૨૧ મળી બન્ને ગામોની શૈક્ષણિક  સંસ્થાઓમાં મળી કુલ-૧૦૮ વિધાર્થી કુમાર કન્યાઓને શૈક્ષણિક કીટ, પાઠ્યપુસ્તકો અર્પણ કરી મો મીઠા કરાવી શાળા પ્રવેશ કરાવાયો હતો.

આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં માળીયા તાલુકા વિકાસ અધીકારીશ્રી એસ.એન. ચાવડા, લાયઝન અધિકારી સી.આર.સી. ડાંગર આશીષભાઇ, શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો, અને વિધાર્થી ભાઇ બહેનો ઉપસ્થિત રહયા હતા.

(11:40 am IST)