Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જસદણ યાર્ડ દ્વારા ખેડુતો માટે અકસ્માત મૃત્યુ સહાય યોજના

જસદણ તા.૧પઃ માર્કેટ યાર્ડ દ્વારા ખેડુતો માટે રૂપિયા એક લાખ રૂપિયાની અકસ્માત મૃત્યુ સહાય યોજના જાહેર કરવામાં આવતા ખેડુતોમાં આનંદની લાગણી ફેલાણી છે.

શ્રી ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ જસદણ યાર્ડના પ્રમુખ  અરવિંદભાઇ ડી. તાગડીયાની યાદીમાં જણાવ્યા મુજબ જસદણ તાલુકાના ૬૦ ગામોના ખાતેદાર ખેડુતો માટે આકસ્મિક સંજોગોમાં આર્થિક રીતે મદદરૂપ થવા માટે અર્કમાત મૃત્યુ સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો પ્રારંભ તા.ર-૬-ર૦૧૮થી શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ ૧૮ થી ૭૦ વર્ષ સુધીના ઉમરના ખાતેદાર ખેડુતોને સર્પદંશ, અકસ્માતે મૃત્યુ, ખેતીકામમાં કુવામાં પડી જતા મૃત્યુ, રોડ અકસ્માત મૃત્યુ વગેરે બનાવોમાં એક લાખની સહાય યાર્ડ તરફથી આપવામાં આવશે.  કુદરતી આપતીને લીધે મોટી સંખ્યામાં જાનહાની-મૃત્યુ થાય ત્યારે આ યોજનાનો લાભ મળશે નહીં કોઇ ખેડુત ખાતેદારનું અકસ્માતે મૃત્યુ થાય તો મૃત્યુ તારીખથી ત્રીસ દિવસની અંદર બજાર સમિતિ જસદણ યાર્ડને જાણ કરી નિયત નમુનાનું ફોર્મ ભરી જરૂરી આધારો સાથે જસદણ યાર્ડની કચેરીમાં આપવાનું રહેશે. આ યોજના હેઠળ જસદણ તાલુકાના અંદાજે પચાસ હજારથી વધારે ખાતેદાર ખેડુતોને આ યોજનાનો લાભ મળશે. વધુ વિગત માટે યાર્ડની કચેરીનો સંપર્ક કરવા યાર્ડના ચેરમેન અરવિંદભાઇ તાગડીયાએ એક યાદીમાં અનુરોધ કર્યો છે.

(11:35 am IST)