Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જેતપુરમાં સવારે વરસાદઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનનું જોર વધ્‍યું

વાદળા છવાઇ છે પરંતુ પવનના કારણે વરસાદ વરસતો નથી : બફારો યથાવત : મેઘરાજાની કાગડોળે રાહ જોતા લોકો

રાજકોટ તા. ૧૫ : રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં સર્વત્ર પવનનું જોર યથાવત છે અને વાદળા છવાઇ છે પરંતુ પવનના જોરના કારણે વરસાદ વરસતો ન હોવાથી લોકોમાં ભારે ચિંતા પ્રસરી ગઇ છે.  છેલ્લા થોડા દિવસોથી રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં બફારાનું પ્રમાણ વધ્‍યું છે અને લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. આવા વાતાવરણ વચ્‍ચે આજે સવારે જેતપુરમાં વરસાદ પડયો હતો.

જેતપુર

જેતપુરના પ્રતિનિધિ કેતન ઓઝાના અહેવાલમાં જણાવાયુ છે કે, આજે સવારે ધુપ - છાંવવાળા વાતાવરણ છવાયેલુ રહ્યું હતું અને આવા વાતાવરણ વચ્‍ચે આજે સવારે જેતપુરમાં જોરદાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્‍તા ઉપરથી પાણી ફરી વળ્‍યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ભાવનગર

ભાવનગર : ગરમીનું જોર યથાવત રહ્યું છે. ચોમાસાના દિવસો નજીક હોવા છતાં ગરમી ઘટવાનું નામ લેતી નથી. છેલ્લા કેટલાય દિવસોથી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર જ રહ્યું છે ત્‍યારે હવે ગરમીથી થાકી ગયેલા લોકો વરસાદ વહેલો આવે તેવું ઇચ્‍છી રહ્યા છે.  ભાવનગરનું આજે મહત્તમ તાપમાન ૪૦.૮ ડીગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૯.૩ ડીગ્રી નોંધાયું હતું. જ્‍યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા અને પવનની ઝડપ ૩૪ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(10:44 am IST)