Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કચ્છમાં એક બાજુ વાવાઝોડા અનુલક્ષીને દરિયા કિનારે તંત્રનું એલર્ટ- બીજી બાજુ માંડવીમાં ભીડ

જો જો, 'તોકતે" વાવાઝોડા દરમ્યાન કચ્છમાં કોવિડ જેવું ન થાય, હજી ૧૦૦૦ કીમી દુર વાવાઝોડું ૧૮ મીએ ત્રાટકે તેવી સંભાવના, લોકો પણ જાગૃત બની દરિયા કિનારે જવાનું ટાળી સાવધાની દર્શાવે

(વિનોદ ગાલા, ભુજ) સંભવિત વાવાઝોડાની અસર દેશના દરિયા કિનારે વર્તાવાની શરૂ થઈ ગઈ છે. તો, આજે સાંજની આ સેટેલાઈટ ઈમેજમાં પણ આ વાવાઝોડાની અસર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના દરિયા કિનારે વરતાશે એવું દેખાઈ રહ્યું છે. સરકાર દ્વારા સંભવિત 'તોક્તે' વાવાઝોડા અંગે સાવધ રહેવા સૂચના અપાઇ છે. જે અનુસંધાને કચ્છમાં વહીવટીતંત્ર વાવાઝોડા પૂર્વે આગોતરા આયોજન  માટે અને ચર્ચા વિચારણા મુજબ તાલુકા કક્ષાએ થયેલા આયોજન વિશેની જાણકારી અંગેની સમીક્ષા બેઠકોમાં વ્યસ્ત થઈ ગયું છે. સમીક્ષા બેઠકો પછી એક બાજુ માછીમારોની બોટો કિનારે લાવવા, કાંઠાળ વિસ્તારોમાં જ્યાં વાવાઝોડાની અસર થાય ત્યાંથી માછીમારો, અગરિયાઓને ખસેડવા તૈયારી કરાઈ છે. બંદરોએ ભય સૂચક સિગ્નલો સાથે દરિયો ન ખેડવા ચેતવણી અપાય છે. તે વચ્ચે બીજી બાજુ આજે માંડવીમાં દરિયા કિનારે સહેલાણીઓની ભારે ભીડ જોવા મળી હતી. જોકે, વાવાઝોડું આજે શનિવારે કચ્છથી ૧૦૦૦ કી.મી દૂર છે. 

પણ, વાત સાવધાની વર્તવાની છે. જખૌ, અંજાર વિસ્તારમાં પ્રાંત અધિકારીઓ દરિયા કિનારે માછીમારો સાથે વાવાઝોડા અંગે સાવધ રહેવા માટે આગોતરી બેઠક કરી રહ્યા છે. તો, કચ્છમાં કાંઠાળ વિસ્તાર ધરાવતા ૭ તાલુકાઓના ૧૨૩ ગામોમાં વહીવટીતંત્રે લોકોને સાવધ રહેવા સૂચના આપી હોવાની જાણકારી અપાઈ છે. ત્યારે માંડવીની ભીડ અને સમીક્ષા બેઠકોની વણઝાર જોઈને એવું લાગે છે કે, ક્યાંક ફરી કોવિડ સમીક્ષા બેઠકો જેવું ન થાય. સતત કચ્છમાં કોવિડ ની સમીક્ષા કરાતી રહી અને બેડ, ઈન્જેકશન, ઓક્સિજન ખૂટી પડયા, એ પછી સ્મશાનમાં લાકડા પણ ખૂટી પડ્યા. 

અહીં મૂળ વાત આપત્તિ દરમ્યાન લોકોની જાગૃતિની પણ છે, લોકો પણ વત્તે ઓછે અંશે બેદરકાર રહે છે. લોકોએ પણ વાવાઝોડાનું જોખમ ટળી ન જાય ત્યાં સુધી દરિયા કિનારાથી દૂર રહેવું જોઈએ.

(6:48 pm IST)