Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

સાંસદ-પૂર્વ ધારાસભ્ય-જીલ્લા ભાજપ મહામંત્રી વિરૂધ્ધ અપશબ્દો સોશ્યલ મીડીયામાં વાયરલ કરનાર જસદણના કમળાપુરનાં હરેશ સાંકળીયા સામે ફરીયાદ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧પ :  રાજકોટનાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, જસદણનાં પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોધરા અને જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી વિરૂધ્ધ સોશ્યલ મીડીયામાં કમળાપુર ગામે રહેતા હરેશ ધીરૂ સાંકળીયાએ ગંદી ગાળો લખી વાયરલ કરતા જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણીએ ગઇકાલે જસદણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા સમગ્ર જીલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ કમળાપુરના અને હાલ રાજકોટ ખાતે નહેરૂનગર સોસાયટીમાં રહેતા મનસુખભાઇ ગોવિંદભાઇ રામાણી ઉ.વર્ષ પ૮ (જીલ્લા ભાજપ મહામંત્રી) વાળાએ ગઇકાલે કમળાપુર ગામનો રહેવાશી હરેશ ધીરૂ સાંકળીયા (જાતે કોળી) એ જસદણ-વિંછીયા પંથકમાં લોકોનું 'ભાઇ-ભાઇ'ના નામે ચાલતા વ્હોટએપ ગ્રુપમાં રાજકોટનાં સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા અને રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી વિશે અપશબ્દો લખી વાયરલ કર્યુ હતું.

આ અંગે મનસુખભાઇના જણાવ્યા મુજબ ગત ૧૩ તારીખે ડો. ભરતભાઇ બોઘરાનો સવારે ફોન આવ્યો હતો અને મને જણાવ્યું હતું કે 'ભાઇ-ભાઇ' ગ્રુપમાં જોડાયેલા મુકેશભાઇ કણોતરા (મો. ૬૩પપ૪ ૯૭૪પ૪) મને ત્રણ મેસેઝ મોકલેલ છે તે જોઇ લો.

બાદમાં મે આ મેસેઝ જોતા તેમાં લખ્યુ હતું કે કમળાપુરનો વિકાસ ગાંડો થયો છે કાલે રાજકોટનો સાંસદ અને ભારતીય જનતા પાર્ટીનો ઉપાધ્યક્ષ બોઘરા કમળાપુર આવવાનો છે તેની શેરી-શેરી જયને વિકાસ બતાવો આ છે આદર્શ ગામ કમળાપુર જે સાંસદે દતક લીધું છે. રાજકીય રોટલા શેકવા પુગી જાય છે.

બીજા મેસેઝમાં રાજકીય રોટલા શેકવા અવાર નવાર પુગી જાય છે. આવા નેતો પદ ઉપરથી રાજીનામું આપી દેવાય ઓલો મહામંત્રી નામ શું? મનસુખ રામાણી એને કોણે મહામંત્રી બનાવી દીધા છે (અપ-શબ્દ)

ત્રીજા મેસેઝમાં હરેશે લખ્યું છે કે મારે ભાજપ સાથે કોઇ વિરોધ નથી મારે તો ખાલી (અપ-શબ્દ) ભરત બોઘરો અને મનસુખ રામાણીનો વિરોધ છે કોણે આને ઉપાધ્યક્ષ અને મહામંત્રી બનાવી દીધા છે ભરત બોઘરો કોણ છે કોઇ પણ એને ઓળખો છો મારા ગામનો છે બંને દલાલ છે ભરત બોઘરો તો (અપ-શબ્દો) પહેલા કમળાપુરમાં હોસ્પીટલ બનાવી ત્યારે કોઇ એને સીમેન્ટ  બાકી નહોતુ દેતુ ચુંટણી ટાઇમે ફંડના નામે ભીખ માંગે છે કેટલાયના તો બુચ મારી દીધા છે એની પાસે કંઇ નહોતુ (અપ-શબ્દ)

ડો. ભરત બોઘરા વિશે જાહેરમાં આવા અપશબ્દો અને ત્રણેયની રાજકીય કારકીર્દી અને હાની પહોંચાડવાના બદ ઇરાદે મેસેઝ વાયરલ કર્યા હોય જસદણ પોલીસમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

આ બનાવની વધુ તપાસ જીલ્લા એલસીબી શાખા ચલાવી રહી છે.

આ બનાવથી જીલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને હવે બોઘરા અને બાવળીયા જુથના કાર્યકરોની લડાઇ છેલ્લી કક્ષાએ પહોંચી ગઇ છે.

હજુ પોસ્ટર પ્રકરણ પુરૂ થયું નથી ત્યાં ફરી આવો બનાવ બનતા ભારે ચર્ચા જાગી છે.

(12:51 pm IST)