Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

કેન્દ્ર અને રાજ્ય સરકારના પેકેજથી ગુજરાત પુનઃ ધમધમશેઃ ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર, તા.૧૫: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણામંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી છે. જેને જામનગર જીલ્લાની જનતાવતી આવકારેલ છે. આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. ૧ લાખ રૂપિયાની લોન ૨ ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જયારે ૬ ટકા વાર્ષિક વ્યાજ રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીશ્રીએ જણાવ્યું છે.

આ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આ યોજનાનો લાભ જામનગર શહેર અને જોલ્લાની જનતાને વ્યાપક પ્રમાણમાં મળશે જેથી નાના અને મધ્યમ વર્ગના લોકોને માટે આ રકમથી રોજગારીની તકો નવી ઉભી થશે. કોરોના વાયરસના જંગ સામે ગુજરાત સરકારના મેડીકલ વિભાગ દ્વારા ઝડપી સારવારને લઈને અનેક લોકોને મોતનામુખમાંથી બચાવી શકયા છીએ તે જ રીતે લોકડાઉન પછી ફરી પાછુ ગુજરાત ધમધમતું બને તે માટે આ યોજના પાયાના પથ્થરરૂપ બનશે.

કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણ દ્વારા વન નેશનલ વન રેશન યોજનાની કરેલ છે તેને ગુજરાત સરકારના અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા) આવકારતા જણાવ્યું હતું કે આ યોજનાથી ગુજરાતની જનતા સાથે પ્રવાસી શ્રમજીવીકોને ખુબ જ લાભ થશે આજના પેકેજમાં પરપ્રાંતિય શ્રમિકો, ખેડૂતો અને ફેરિયાઓનો સમાવેશ કરાયો છે જે બદલ હું કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણને અભિનંદન અને આભારની લાગણી વ્યકત કરૃં છુ.

ઓગસ્ટ ૨૦૨૦ સુધી આખા દેશમાં વન નેશન વન રેશન યોજના લાગુ થશે અર્થાત કોઈ પણ રાજયમાં પોતાનું રેશન લઇ શકશે. માર્ચ ૨૦૨૧ સુધી ૧૦૦%કાર્ડ ધારકોને આ સુવિધા મળી જશે,૧ા૨૫/ હેઠળ જે નથી આવતા તેમ જ કોઈ પણ જાતનું રાજયનું રેશન કાર્ડ નથી તેવા ૮ કરોડ પ્રવાસી શ્રમિકોને પ્રતિ પરિવાર ૨ મહિના માટે ૫ કિલો દ્યઉં અથવા ચોખા અને ૧ કિલો ચણા મળશે, આ માટે ૩૫૦૦ કરોડ ફાળવાયા,પ્રવાસી શ્રમિકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નેશનલ ફુડ સિકયુરીટી એકટ અંતર્ગત પ્રવાસી મજુરોને કોઈ પણ રાજયમાં ફ્રીમાં બે મહિના સુધી અનાજ મળશે,પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ આપવામાં આવી રહ્યું છે.

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દેશને આત્મનિર્ભર બનાવાની યોજનામાં આજની કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમણની જાહેર કરાયેલી યોજનાઓથી જામનગર સહીત સમગ્ર ગુજરાતની જનતા સાથે- સાથે પ્રવાસી શ્રમજીવીકો માટે આશીર્વાદ રૂપ બનશે તેમ ગુજરાત સરકારના અન્ન નાગરિક અને પુરવઠા મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)એ જણાવ્યું હતું.

(1:07 pm IST)