Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

જસદણ - વિંછીયા પંથકમાં સુઝલામ - સુફલામ યોજનાના કામો તાત્કાલિક ચાલુ કરવા કુંવરજીભાઇની તંત્રને તાકિદ

આટકોટ તા. ૧૫: જસદણ- વિંછીયાના જાગૃત અને કર્મનિષ્ઠ આગેવાન અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા કોરોનાના કહેર વચ્ચે પણ ઘરમાં બેસી રહેવાને બદલે  તાલુકાના ગામડામાં પ્રવાસ  કરી મનરેગા  અને ખાસ કરીને સુઝલામ-સુફલામ યોજનાના કામો તાત્કાલીક ચાલુ કરવા અધિકારીઓને તાકિદ કરતા અધિકારીઓ  કામે લાગી ગયા છે.

કોરોનાના કહેર વચ્ચે અનેક નેતાઓ ડરના માર્યા ઘરની કે ઓફિસની બહાર પણ નિકળતા નથી ત્યારે જસદણ-વિંછીયાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા પગ વાળી બેસી રહેવાને બદલે તેમના નિત્યક્રમ મુજબ વ્હેલી સવારથી જુદા-જુદા ગામોમાં પહોંચી ગામના પાદરમાં જ આગેવાનોને બોલાવી ઉભાઅઉભા જ ગામના હાલ-ચાલ જાણી જરૂરી કામગીરી કરે છે.

જેમાં ખાસ કરી મનરેગાના ચાલતા કામોની મુલાકાતે જઇ ત્યાં પાણી સહિતની સુવિધાઓ કરાવી તંત્રને જરૂરી સુચના આપે છે.

જસદણ-વિંછીયા તાલુકામાં સુઝલામ-સુફલામ યોજના તંત્રની ઢીલી નીતિથી આગળ ચાલી ન હોય સ્થાનિક અને જીલ્લાના ઉચ્ચ અધિકારીને તાકીદ કરતા ઉચ્ચ અધિકારીઓમાં દોડ-ધામ મચી ગઇ હતી અને આ યોજના હેઠળ કામગીરી ચાલુ કરવા કામગીરી હાથ ધરી હતી.

કુંવરજીભાઇ દ્વારા ગામડામાં કોઇ શ્રમિક કે નાનો પરિવાર ભૂખ્યો ન રહે કે હેરાન ન થાય તે માટે પણ અનેક પ્રયાસો હાથ ધર્યા છે જેમાં ગામડામાં ગરીબ પરિવારોને રાશન માટે કાચી કીટ પણ સ્થાનિક આગેવાનોનોને સાથે રાખી વિતરણ કરે છે.

આ ઉપરાંત પીવાના પાણીની પણ કયાય મુશ્કેલી ન પડે તે માટે પણ દિવસભર કામગીરી કરતા હોય ખરા અર્થમાં નેતા સાબિત થયા છે.

(11:46 am IST)