Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ભુજઃ નિયમભંગ કરી યોજાયેલ લગ્નના વાયરલ વીડીયોએ સર્જી ચકચાર

માસ્‍ક, સોશ્‍યલ ડિસ્‍ટનિંગ અને પરવાનગી કરતા વધુ માણસોઃ આમ આદમી સામે દંડો ઉગામતાં તંત્ર સામે સવાલો

ભુજ,તા.૧૫:  લોકડાઉન વચ્‍ચે કોરોનાનો ભય યથાવત હોઈ નિયમ પાલન અંગે તંત્ર આમ આદમીઓ સામે કડકાઈ દર્શાવે છે. પણ, ભુજના ભુજોડી મધ્‍યે ખાનગી રિસોર્ટમાં યોજાયેલા એક લગ્નમાં નિયમભંગ દરમ્‍યાન પોલીસે કરેલી ‘કાર્યવાહી' સામે સવાલો ઉઠી રહ્યા છે.

ખાસ કરીને આ આખોય ઇસ્‍યુ બહાર ત્‍યારે આવ્‍યો જયારે આ લગ્નનો વીડીયો વાયરલ થયો. જેમાં ભુજોડી ગામે ડ્રિમ રિસોર્ટમાં યોજાયેલા લગ્નમાં ખુલ્લેઆમ કોવિડ ૧૯ ના તેમ જ લગ્નની મંજૂરી માટેના નિયમોનો ભંગ થયો હોવાનું નજરે પડ્‍યું હતું.

સોશ્‍યલ મીડીયામાં બપોરથી વાયરલ થયેલો આ વીડીયો પોલીસની નજરે સાંજે ચડ્‍યો અને પશ્‍ચિમ કચ્‍છ પોલીસ ડ્રિમ રિસોર્ટમાં પહોંચી હતી. જે દરમ્‍યાન ત્‍યાં કિશોર પ્રભુલાલ ભાભેરાએ પોતાની પુત્રીના લગ્નની મંજૂરી મેળવી હોવાનું પોલીસને ધ્‍યાને આવ્‍યું હતું. જોકે, લગ્નમાં મંજૂરી ૫૦ ની હોવાનું અને માસ્‍ક, સેનેટાઈઝર તેમ જ સોશ્‍યલ ડિસ્‍ટનિંગ સહિતના નિયમોનું પાલન કરવા સહિતની મંજૂરીની લેખિત સૂચના તેમ જ કલેકટરના જાહેરનામાનો ભંગ થયો હોવાનું ધ્‍યાને આવ્‍યું હતું.

વળી, વાયરલ વીડીયોમાં પણ આ બધું જ ધ્‍યાને આવ્‍યું હતું. જોકે, તેમ છતાંયે પશ્‍ચિમ કચ્‍છ પોલીસે એક માત્ર કિશોર પ્રભુલાલ ભાભેરા સામે જ ફરિયાદ નોંધી હતી. ભુજ પોલીસની લોકડાઉન દરમ્‍યાનની સારી કામગીરી વચ્‍ચે લગ્ન સમારોહની કામગીરી સામે અત્‍યારે તો વિવાદભરી આંગળી ચીંધાઈ રહી છે.

(11:14 am IST)