Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ગરમીના કારણે ચોટીલાના ભોજપરીમાં ૭ મોરના મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં ધોમધખતા તાપથી ૨૦ પક્ષીઓના મૃત્યુ થતાં અરેરાટી

વઢવાણ તા. ૧૫ : સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ગરમી અને ઉનાળાના તાપ વધવાના કારણે જિલ્લામાં પશુ પક્ષીઓ અકડાયા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા માં ભોજપરી ની સીમમાં આવેલ વન્ય વિસ્તારમાં ઊંચા તાપમાન અને જિલ્લામાં ગરમીના પગલે એકી સાથે સાત મોરના મોત નિપજયા છે ત્યારે બીજી તરફ ગરમીના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં એકી સાથે ૨૦ થી વધુ ચકલીઓના મોત નિપજયા છે.

હાલ આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે ત્યારે માણસ તો પોતાને ગરમી થી રાહત મેળવવા માટે પંખા, એ.સી. કે એર કુલર જેવા સાધનોનો ઉપયોગ કરી રાહત મેળવી લે છે પણ આ ૪૦ થી ૪૩ ડીગ્રી તાપમાન માં પશુ પક્ષીઓ માટે જીવવું અઘરૃં બની જાય છે.આ ધોમધખતા તાપના કારણે ચોટીલા તાલુકાના ભોજપરી ગામ નજીક આવેલ જંગલ વિસ્તાર માં રાષ્ટ્રીય પક્ષી મોરના ૭ મૃતદેહ મળતા ચોટીલા વન વિભાગના કર્મચારીઓ દ્વારા આ તપાસ કરવામાં આવતા આ ૭ મોર પૈકી બે નર અનેઙ્ગ પાંચ માદા મોરના પ્રાથમિક તારણ મુજબ હિટવેવ ના કારણે મૃત્યુ થયા હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું.

કોઈ આકસ્મિક બનાવ નથી તે જાણવા માટે વન વિભાગ દ્વારા ચોટીલા પશુ ડોકટર નિરવભાઈ જોશીને સાથે રાખી તમામ મોરના સ્થળ પર જ પી.એમ. કરવામાં આવ્યું હતું. પી.એમ. બાદ ડો. નીરવ જોશીએ જણાવેલ કે તમામ મોરના મૃત્યુ હિટવેવ ના કારણે થયા છે. આ અંગે વાત કરતા વન વિભાગના નટુભાઈ રોજસરા એ જણાવેલ કે જે જગ્યા એ મૃત્યુ થયા ત્યાં પાણી ની વ્યવસ્થા છે પણ આ વિસ્તાર ડુંગરાળ હોઈ આ કારણે ગરમ પવન લાગવાના કારણે તમામ ૭ મોરના મૃત્યુ થયા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે તાપમાન ૪૩ ને બહાર પહોંચ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એકીસાથે અનેક પશુ-પક્ષીઓ ગરમીના કારણે મોતને ભેટયા હતા ત્યારે આ બાબતે પશુ પ્રેમીઓનાં પણ રોષની લાગણી વ્યાપી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ગરમીનો પારો વધતાં પશુ પક્ષી અને લોકો પણ લોકડાઉન વચ્ચે અકડાવા પામ્યા હતા.

સુરેન્દ્રનગર વાસીઓને પોતાના ઘરો કે પોતાના એરિયામાં આવેલી ખુલ્લી જગ્યામાં પાણીના કુંડા ભરીને પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ પશુ-પક્ષીઓની આ કામ કરવાના કારણે અનમોલ જીંદગી પણ બચી જશે પરિણામે જિલ્લામાં પશુ-પક્ષીઓના ગરમી અને તરસના કારણે મોત ની સંખ્યામાં ઘટાડો જોવા મળશે.

(10:35 am IST)