Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ગિરનારમાંથી ચંદન વૃક્ષ કટીંગમાં કટની વિસ્તારની શંકાસ્પદ મહિલાઓની પૂછતાછ

૧૨ મહિલાઓ પાસેથી મળેલા ૧૦ મોબાઇલના આધારે તપાસ

જૂનાગઢ તા. ૧૫ : ગિરનાર જંગલમાંથી ચંદન વૃક્ષ કટીંગ પ્રકરણમાં વન વિભાગે કટની વિસ્તારની ૧૨ શંકાસ્પદ મહિલાઓની પૂછપરછ હાથ ધરી છે.

ગિરનાર જંગલની દક્ષિણ ડુંગર રેન્જના જંગલમાંથી ચંદનના વૃક્ષોનું કટીંગ થવાની ઘટના પ્રકાશમાં આવતા ગઇકાલે જૂનાગઢના દોલતપરામાં બંધ મીલના કમ્પાઉન્ડમાં રહેતી ૧૨ શંકાસ્પદ મહિલાઓને ૧૮ જેટલા બાળકો સાથે વન વિભાગે રાઉન્ડ અપ કર્યા હતા.

આ પ્રકરણમાં આરએફઓ ભગીરથસિંહ ઝાલાએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, રાઉન્ડ અપ કરાયેલી મહિલાઓ મધ્યપ્રદેશના કટની વિસ્તારની છે. તેમના દંગામાંથી ચંદનના લાકડાના કેટલાક છોડીયા મળી આવેલ અને મહિલાઓ પાસેથી ૧૦ જેટલા મોબાઇલ ફોન કબ્જે લેવામાં આવેલ છે.

શ્રી ઝાલાએ વધુમાં જણાવેલ કે, હાલ મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ કઢાવવાની તજવીજ શરૂ કરાઇ છે અને તમામ મહિલાઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ મહિલાઓ ચંદનના લાકડાની તસ્કર ટોળકી સાથે સંડોવાયેલ હોવાની આશંકાના આધારે તમામની પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.

(1:18 pm IST)