Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મોરબીના નવી પીપળીના કડવા પટેલ યુવાન અતુલનું ડમ્પરની ઠોકરે મોત

માતા-પિતાનો એકનો એક પુત્ર હતોઃ હરિપરના પાટીયે કારખાનામાં કેન્ટીન ચલાવતો યુવાન ઘરે જવા નીકળ્યો ને રસ્તામાં કાળ ભેટ્યોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૫: મોરબીના નવી પીપળી ગામે રહેતાં કડવા પટેલ યુવાનનું ગામ નજીક રોડ પર બાઇક સહિત ડમ્પરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ નવી પીપળી રહેતો અને ગાળા ગામ નજીક હરિપરના પાટીયે આવેલા કારખાનામાં પિતા બચુભાઇ સાથે કેન્ટીન ચલાવતો અતુલભાઇ બચુભાઇ સરાવાડીયા (ઉ.૩૫) નામનો કડવા પટેલ યુવાન ગત રાત્રે કેન્ટીનેથી બાઇક હંકારી પોતાના ગામ નવી પીપળી જવા નીકળ્યો ત્યારે ગામ નજીક શંકર ભગવાનના મંદિર પાસેના રોડ પર પહોંચતા ડમ્પર ચાલકે ઠોકરે લેતાં રોડ પર ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

તેને પ્રથમ મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાર્યવાહી કરી મોરબી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર અતુલભાઇ એક બહેનથી નાનો હતો અને માતા-પિતાનો એકનો એક કંધોતર હતો. તેના પત્નિનું નામ હીનાબેન છે. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ઘટનાથી ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે.

(10:54 am IST)