Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મોરબીના ખાનપર ગામે ખરાવાડ મામલે વિવાદ વધુ વકરવાના એંધાણઃ ખેડૂતો દ્વારા ૩દિ'નું અલ્ટીમેટમ

અનુ.જાતિના લોકો માટે સ્મશાનની જમીન ફાળવાતાની સાથે જ આંદોલનના મંડાણ : ગુરૂવાર સુધીમાં લેખિત બાંહેધરી નહિ મળે તો કલેકટર કચેરીએ મહિલા, પુરૂષો, બાળકો અને ખેત સાધનો સાથે ઉપવાસ આંદોલનઃ ૧૦૦ થી વધુ ગામના ખેડૂતોનો પણ ટેકો

મોરબી, તા.૧પઃ તાલુકાના ખાનપર ગામે અનુ. જાતિના લોકો માટે સ્મશાન જમીન ફાળવણી વિવાદ બાદ ખેડૂતોએ આંદોલન ચલાવ્યું છે અને આ મામલે  ખેડૂતોએ તંત્રને આવેદન પાઠવીને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

આવેદનમાં જણાવ્યું છે કે ખાનપર ગામના ખેડૂતોની સરકાર સ્ટેટ રાજાશાહી વખતના લેખ દસ્તાવેજ કરી આપેલ જમીન હે. ૨ = ૮૦ = ૨૫ આરે જમીન ખેડૂતોની ખેતી પાછળ ખરાવાડ કરવાને અને ઘાસચારો રાખવા માટે મોરબી દરબાર સાહેબ લેખ કરી આપેલ અને આવી ખરાવાડ દરેક ગામમાં આવેલ હોય જયાં ખરાવાડ ઉપયોગ ના થતો હોય ત્યાં ખેડૂતોના વારસદારોએ ગામવાડી બનાવી ગામની સુવિધા ઉભી કરવામાં આવેલ છે ગામડામાં વસતા સામાન્ય પરિવાર ઉપયોગ કરી સકે તે રીતે અન્ય ગામોને ખરાવાડ સનદો કાયમી કરેલ છે. આ મામલે ખેડૂતોએ માંગણી કરી છે કે, ડેપ્યુટી કલેકટરનો હુકમ રદ કરવો જેને અમારી ખરાવાડ જમીનની સનદો આપવી અને અનુ.જાતિને પણ સરકાર દ્વારા થયેલ હુકમ આધારે સ્મશાન માટે હાલમાં જયાં સ્મશાન છે ત્યાં ફાળવવામાં આવે.

અંતમાં એમ પણ જણાવ્યું છે કે છેલ્લો હુકમ એ ૦ = ૨૦ ગુઠાનો કરવામાં આવેલ છે તે જમીન સ્મશાન માટે ખરાવાડની જમીન સિવાય કોઈપણ સરકારી ખરાબમાંથી ફાળવવામાં આવે તો અમારો વાંધો નથી, આ બાબતે તા. ૧૭ સુધીમાં લેખિતમાં બાહેંધરી નહિ મળે તો કલેકટર કચેરી ખાતે મહિલા, પુરુષો અને બાળકો તેમજ ખેત સાધનો સાથે ઉપવાસ આંદોલન કરવાની ફ્રરજ પડશે તેવી ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારી છે.

અત્રે નોંધનીય છે કે ખરાવાડ મામલે ૧૦૦ થી વધુ ગામોના ખેડૂતોનો ટેકો પણ ગામના ખેડૂતો સાથે હોય તેમ પણ ખાનપરના  ખેડૂતોએ જણાવ્યું હતું. (૨૩.૮)

(12:37 pm IST)