Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ભાણવડઃ હાથલા શનિદેવ મંદિરને કરોડોના ખર્ચે જીર્ણોધ્ધાર માટે ભૂમિપૂજન છતા કામગીરી ન થતા રોષ

ભાણવડ તા. ૧પ : ગુજરાત પ્રવાસની નિગમ લી.અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડે સાચી ઠેરવી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા દેશના બીજા નંબરનું અને ગુજરાતમાં સૌ પ્રથમ આસ્થાના પ્રતિક સમાન શનિ મંદિર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલ નાનકડા એવા હાથલા ગામે આવેલ છે. હાથલા શનિ મંદિરને પ્રવાસન સ્થળ તરીકે તો વર્ષ ર૦૦૬ માં જ સમાવેશ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રવાસન સ્થળ તરીકે કોઇ સુવિધાઓ કે વિકસીત કરવામાં એક દાયકાથી વધુ સમય સુધી કાંઇ રસ દાખવ્યો ન હતો.

તા.૪/૬/ર૦૧૬ ના રોજ બે વર્ષ પુર્વે શનિ જયંતિના દિવસે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી બાબુભાઇ બોખીરીયા, રાજયમંત્રી વસુબેન ત્રિવેદી, ધારાસભ્ય ચિમનભાઇ સાપરીયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતીમાં શનિ મંદિરને શનિ ધામ તરીકે વિકસીત કરવા મંદિરનો જીર્ણોધ્ધાર તેમજ યાત્રીકોને પ્રાથમીક સુવિધાઓ મળી રહે તે સહિતના રુા.૮.પ કરોડના ખર્ચે વિકાસ કાર્યોનું રંગેચંગે ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું. મંદિરના જીર્ણોધ્ધાર માટેની જાહેરાતથી સમગ્ર ભાણવડ પંથક તેમજ ખાસ કરીને એવા હાથલા ગામે જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ લોકોમાં આનંદની અનુભુતિ જોવા મળી હતી. પરંતુ ક્ષણ વારની આનંદની ઘડી બાદ હજુ બે-બે વર્ષ વિત્યા હોવા છતાં જીર્ણોધ્ધાર તો દુરની વાત છે.

વિકાસ નામે હજુ એક પથ્થર પણ યાત્રાધામ બોર્ડ દ્વારા મુકવામાં આવ્યો નથી. મંદિરની સ્થિતિ ભૂમિ પુજન પહેલા અને પછી જેમની તેમ જ છે. શનિ મંદિરે જવા માટે દુધાળા-ગળુથી ૧૦ કિ.મી.નો એક માર્ગીય રસ્તો એટલી ખખડધજ હાલતમાં છે કે યાત્રાળુઓ મંદિર સુધી પહોંચે ત્યાં શનિદેવ કોપાય માન થયા હોય તેમ લાગે છે. યાત્રીકો માટેખાસ કોઇ સુવિધાઓ હજુ અહી ઉપલબ્ધ કરવામાં આવી નથી. આ જોતા માત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને માત્રને માત્ર સુવિખ્યાત મંદિરો જયાં કરોડો રૂપિયાનું દાન વર્ષે મળી રહ્યુંછે તેવા મંદિરોની જ સુવિધાઓ વધારવા માટેઉંડો રસ જોવા મળેછે. ત્યારે હવે જોવાનું રહ્યું કે બે વર્ષ પહેલા શનિ મંદિર હાથલાના જીર્ણોધ્ધાર માટે ભૂમિ પુજન કરવામાં આવ્યું હતું તે હવે કેટલા સમયમાં યાત્રાધામ બોર્ડ નિર્માણાધિન કરશે તે તરફ દર વર્ષે આવતા લાખો યાત્રિકોની મીટ મંડાય છે.

રૂ. પ કરોડના ખર્ચે શનિ મંદિર સુંદર રીતે નિર્માણાધિન બનાવવા તેમજ રૂ.૩.પ કરોડના ખર્ચે યાત્રિકોને પ્રાથમીક સગવડો મળી રહે માટે આમ કુલ રૂ. ૮.પ કરોડની ફાળવણી કરી ભૂમિ પુજન તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું જે તકતીને પણ હાલ ઉતારી એક રૂમમાં મુકી દેવામાં આવી છે. જેથી આવતા યાત્રાળુઓને પણ યાત્રાધામ વિકાસ બોર્ડની કાચબા છાપ ગતિ વિશેની ગોપનિયતા જળવાઇ રહે છે.(૬.૧૩)

(12:36 pm IST)