Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

હાથલામાં શનિદેવના દર્શન માટે ગઇકાલ રાત્રીથી લાઇનો

શનિ જયંતીએ શનિ દેવના પ્રાગટય સ્થળે દર્શન તથા શનિકુંડમાં સ્નાનનું મહત્વ : ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને બાબુભાઇ બોખીરીયાએ દર્શન કર્યાઃ નિજ મંદિરે બાળકોથી લઇ વૃધ્ધો અને મહિલાઓ પુજા કરી શકે છે

શનિજયંતીએ પુજા અર્ચન હાથલામાં હાથી ઉપર સવાર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ તથા પુજા અર્ચના કરતા કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અન્ય અગ્રણીઓ તસ્વીરમાં નજરે પડે છે.

આદિત્યાણા તા.૧૫: આજે મંગળવારે શનિશ્વર જયંતિ નીમીતે હાથલાગામે શનિદેવ મંદીરમાં ગઇકાલે ૧૨ વાગ્યાથી જ માનવ મહેરામણ ઉમટી પડેલ છે  મોટી લાઇનો દર્શન કરવા લાગી છે

સવારે ૯ કલાકે ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ પણ પુજાઅર્ચના દર્શનનો લાભ લીધેલ હતો. તેઓની સાથે જીલ્લા ભાજપ મહામંત્રી અશોક મોઢા રાણાવાવ તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઇ ગોઢાણીયા બાબુભાઇ પટેલ, વિગેરે જોડાયેલ હતા. ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પણ પુજા અર્ચના કરેલ હતા.

આજે જેને શનિ પનોતી ચાલતી હોય લોકોઙ્ગકુંડમાં સ્નાન કરી પોતાના કપડા તથા ચંપલ અહી મંદિરે મૂકે છે. હજારોની સંખ્યામાં બુટ ચંપલ લોકો અહી રાખે છે જે પ્રસંગ પુરો થયા બાદ જરૂરિયાતમંદોને મંદીરે  વસ્તુઓ દાન આપવામાં આવે છે.

ભાણવડ નજીક હાથલા ગામ આવેલ છે. આ હાથલા ગામમાં શનિદેવનું મંદિર આવ્યું છે તેમાં કાળભૈરવ-શનિદેવ-પનોતી અઢીવર્ષ- પનોતી સાડાસાત વર્ષ સિંદોર ચઢાવેલી અલગ અલગ મુર્તિઓ આવેલી છે.

હાથલા ગામે શનિદેવનું પ્રાગ્ટય સ્થળ માનવામાં આવે છે. શનિદેવનું જન્મ સ્થળ શિંગળાપુર માનવામાં આવે છે તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટેલ.

રાજયના  પ્રધાનો- નેતાઓ અને આમ આદમી શનિદેવની જન્મજયંતિ ઉપર શનિદેવના દર્શન કરવા મોટ સમુહ ઉમટે છે અહીં મંદિર પટાંગણમાંજ શનિકુંડ આવેલો છે આ શનિકુંડમાં સ્નાન કરવાથી શનિદેવની પનોતીમાં રાહત થાય છે તેવું કહેવાય છે આજે રાત્રીથીજ શનિદેવના દર્શન કરવા લાઇનો લાગી જાય છે અને એકથી બે કિલોમીટર ની માનવ લાઇનો ઉમટીપડે છે.

આ શનિદેવ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં બાળકોથી માંડીને વૃદ્ધો, મહિલાઓ પણ શનિદેવના નિજ મંદિરમાં જઈ પૂજા કરી શકે છે.

શનિદેવજી પનોતી ચાલતી હોય તે લોકો દરરોજ પીપળાને પાણી રેડી પૂજા કરે અને ઓમ નમોઃ ભગવતે વાસુદેવાયના જાપ કરતા કરતા નવ પ્રદક્ષિણા કરે તો ફાયદો થાય છે. ઉપરાંત શનિવારના દિવસે સૂર્યાસ્ત વખતે પીપળે સરસવના તેલનો દીવો કરી પીપળાની પૂજા કરવાથી પણ ફાયદો થાય છે. હનુમાનજીની પૂજા અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી પનોતીમાં ફાયદો થાય છે. ઉપરાંત કાગડા-કૂતરાને ખવડાવવુ તથા અપંગ - આંધળાઓની સેવા કરવાથી પણ પનોતીમાં ખૂબજ રાહત રહે છે. વૃદ્ધ મા-બાપની સેવા કરવાથી પણ શનિદેવ પ્રસન્ન રહે છે.

આ શનિદેવનું સ્થાન ઈતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન છે. ઈ.સ. છઠ્ઠી સાતમી સહિત મૂર્તિ-શનિકુંડ પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષીત છે. હાલ આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન મૂર્તિ શિલ્પો, ભગ્ન શિવલીંગ, નંદી, હનુમાનજી તથા શનિકુંડ હયાત છે. હાથલાના આ મંદિરના અવશેષો ૧૫૦૦ વર્ષ જૂના છે.

શાસ્ત્રોકત રીતે શનિદેવના દશ નામ છે. દસ વાહનો છે અને દસ પત્નિઓ છે. શનિદેવના વાહનોમાં ગીધ જોડેલ લોખંડનો રથ આકાશ માર્ગ માટે છે. જમીન, પૃથ્વી પર શનિદેવની સવારી પાડા ઉપર છે. શનિદેવ હાથીની સવાર ઉપર હોય ત્યારે સુખ સંપત્તિ આપે છે. શનિદેવ ન્યાય કરવામા કોઈની પણ લાગવગ ચલાવતા નથી એટલે આ દેવની બધાને બીક લાગે છે. શનિદેવ યમરાજાના સગા મોટા ભાઈ થાય છે.

શનિદેવ મંદિરે પનોતી વાળા લોકો આવતા હોય છે. મામા-ભાણેજને સ્નાન કરાવી પોતાના હાથે નવાનકોર વસ્ત્રો પહેરાવી શણગારે તો કયારેય શનિદેવની પનોતી નજીક આવતી નથી એટલે શનિદેવની જેને પનોતી આવતી હોય તે શનિદેવ દર્શન કરવા જાય ત્યારે પોતાના ભાણેજને પણ સાથે લઈ જાય તેનુ મહત્વ ખૂબજ છે. આ શનિદેવના મંદિરે આપણે જે કાયમી બુટ-ચપ્પલ પહેરવા હોય તે ત્યાં મુકી આવવાથી તો પનોતી ઉતરી જાય છે તેવુ કહેવાય છે.

(12:02 pm IST)