Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આંબુડુ જાંબુડુ... કેરીને કોઠીમડુ.. રાય દામોદર નોતરા... પુરણ પરષોત્તમ રાય...

કાલથી 'પુરૂષોત્તમ મહિના'નો પ્રારંભ : એક મહિનો અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો

રાજકોટ તા. ૧૫ : 'આંબુડુ જાંબુડુ કેરીને કોઠીમડુ.. રાય દામોદર નોતર્યા... પુરણ પરસોત્તમ રાય'... કાલે તા. ૧૬ ને બુધવારથી પુરૂષોત્તમ મહિનાનો પ્રારંભ થશે. કાલથી એક મહિના સુધી મહિલાઓ દ્વારા વિશેષ પૂજન, અર્ચન કરીને ભગવાનની આરાધના કરશે.

અધિક મહિનામાં કરવામાં આવેલા સત્કાર્યનું ફળ અધિક મળે છે તેવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જેથી એક મહિના સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.

અધિકમાસમાં ધૂજ-ભજન-કથા વગેરેનું આયોજન થતું હોય છે. સાથોસાથ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ તીર્થયાત્રાઓ પણ કરતા હોય છે. ખાસ કરીને દ્વારકા, ડાકોર સહિત તીર્થસ્થાનોએ દર્શન કરવા પણ જશે. સોમનાથ ખાતે પણ હરિ - હર તીર્થ છે. ત્યાં પણ ભકતો દેહોત્સર્ગ સ્થાને દર્શન કરવા જશે.

પુરૂષોત્તમ માસના એક દિવસ પુર્વે જ શનિ મહારાજની ઉપાસના થઇ રહી છે. આ દિવસે વૈશાખી અમાસ છે. એટલે કે મંગળવારે શનિ મહારાજની જયંતી નિમિતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ શનિ મંદિરમાં ઉમટી પડશે અને શનિ દેવની પૂજા ઉપાસના કરી રહ્યા છે.

કડીમાં સત્સંગ મહોત્સવ

કુંજેશકુમારજી (કડી) દ્વારા અધિકમાસ આવતો હોવાથી તે નિમિતે શ્રીમદ ભાગવત દશમ સ્કન્ધ સત્સંગ મહોત્સવ ૧૬ થી ૨૦ મે દરમિયાન ૩ થી ૬ કલાકે સી.કે.ખડાયતા છાત્રાલય કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુરૂષોત્તમ માસના મહત્વ સાથે પ્રથમ દિવસે નંદ મહોત્સવ સાથોસાથ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જયારે બીજા દિવસે ગીરીરાજજીની પરિક્રમા તથા ગોવર્ધન અને ગીરીરાજજીના મહત્વ વિશે કથા યોજાશે. જયારે ત્રીજા દિવસે રાસપંચાધ્યાય કથા રાસોત્સવ રાખવામાં આવ્યો છે. જેમાં ચોથા દિવસે ભ્રમરગીત યોજાશે. પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્ણના ૧૬૧૦૮ લગ્ન વિધિ કથાનું આયોજન કરાયુ છે. સાથોસાથ રૂક્ષ્મણી વિવાહ તથા મનોરથ રાખવામાં આવ્યો છે.

પુરૂષોત્તમ મહિનાની સરળ સમજ

રાજકોટ : આ વર્ષે વિક્રમ સંવત ૨૦૭૪માં ૧૨ ચાંદ્ર માસને બદલે ૧૩ ચાંદ્ર માસ છે. અધિક માસ તરીકે જેઠ માસ હોવાથી બે જેઠ માસ આવે છે. હાલમાં ચાલતો વૈશાખ માસ તા. ૧૫ મી મે, મંગળવારે સમાપ્ત થશે. પહેલો જેઠ (અધિક જેઠ) તા. ૧૬-પ-૨૦૧૮ થી તા. ૧૩-૬-૨૦૧૮ સુધી રહેશે. ત્યારબાદ નિજ જેઠ માસ (શુધ્ધ બીજો જેઠ માસ) તા. ૧૪-૦૬-૨૦૧૮ થી તા.૧૩-૦૭-૨૦૧૮ સુધી રહેશે. એક ચાંદ્ર માસની લંબાઇ ૨૯.૫ (સાડા ઓગણત્રીસ) દિવસ જેટલી હોય છે. આવા ૧૨ ચાંદ્રમાસનું એક ચાંદ્રવર્ષ ૩૫૪ દિવસનું થાય છે. સુક્ષ્મ રીતે જોઇએ તો  ચાંદ્રવર્ષની લંબાઇ ૩૫૪ દિવસ ૦૮ કલાક ૪૮ મિનીટ ૩૪ સેકન્ડ જેટલી છે. જયારે સુર્યની આસપાસ પૃથ્વીના ભ્રમણ આધારિત સૌરવર્ષ (ઋતુચક્ર)ની લંબાઇ ૩૬૫ દિવસ ૦૬ કલાક ૦૯ મિનીટ અને ૦૯ સેકન્ડ છે. સુક્ષ્મ ગણિતથી તફાવત જોઇએ તો સૌરવર્ષ કરતાં ચાંદ્ર વર્ષ ૧૦ દિવસ ૨૧ કલાક ૨૦ મિનીટ ૩૫ સેકન્ડ જેટલું નાનુ છે. આમ સૌરવર્ષ કરતા ચાંદ્રવર્ષ આશરે ૧૧ દિવસ નાનું છે. આ તફાવત એક વર્ષના અંતે ૧૧ દિવસ જેટલો, બે વર્ષને અંતરે રર દિવસ અને ત્રણ વર્ષને અંતે ૩૩ દિવસ જેટલો થઇ જાય છે. જો આ તફાવતને ધ્યાનમાં લેવામાં ન આવે અને તેને અવગણવામાં આવે તો આપણા તહેવારો - ઉત્સવો -વ્રતપર્વ દર વર્ષે ૧૧ દિવસ પાછળ ખસતા જાય અંગ્રેજી તારીખની સાપેક્ષમાં ૧૧ દિવસ જેટલા  દર વર્ષે વહેલા આવી જાય. આમ થવાથી તહેવાર વ્રત પર્વનો ઋતુઓ સાથેનો મેળ જળવાઇ રહે નહી.

આમ આસો માસની નવરાત્રી ભર ઉનાળામાં આવી જાય. ચોમાસુ વર્ષાઋતુ જન્માષ્ટમી વગેરે શિયાળામાં આવી જાય. મકરસંક્રાંતિ - હુતાસણી - હોળી જેવા તહેવાર ચોમાસામાં વરસાદના દિવસોમાં આવી જાય. આમ ન થાય તેવા શુભ હેતુથી આપણા પ્રાચીન ખગોળ શાસ્ત્રીઓએ ચાંદ્રવર્ષમાં એક વધારાનો માસ (અધિક માસ) ઉમેરવાનું આયોજન કર્યુ છે. અધિકમાસ હંમેશા ચૈત્ર થી આસો માસ દરમિયાન જ આવી શકે છે. સાધારણ રીતે કારતક થી ફાગણ વચ્ચે અધિકમાસ આવતો નથી. આમ છતા પણ ઘણા વર્ષોમાં કયારેક (જવલ્લે જ) અધિક ફાગણ આવી શકે છે. પરંતુ કારતક થી મહા સુધીના ચાર મહિના (કારતક, માગશર, પોષ અને મહા) કદાપી અધિક માસ તરીકે આવતા નથી.

દ્વારકામાં કાલથી પૂ.દંડી સ્વામીની નિશ્રામાં કોટિ હરિહર યજ્ઞનો પ્રારંભ

અમદાવાદ તા.૧૫ : દ્વારકામાં વિશિષ્ટ યજ્ઞ અધિક મહિનામાં થવા જઇ રહ્યો છે. જે અંતર્ગત એક કરોડ આહુતિ આ કોટિ હરિહર યજ્ઞમાં આપવામાં આવશે. આ નવ દિવસીય યજ્ઞનું ઉદઘાટન પ્રસંગે દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહી આર્શિવચન પણ પાઠવશે.

સોમવારે અદ્વૈત આશ્રમ અમદાવાદ ખાતે આવેલા દ્વારકા - શારદાપીઠ અને જયોતિષ્પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીના શિષ્ય દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે, નવ દિવસીય કોટી હરિહર યજ્ઞમાં એક કરોડ આહુતિ આપવામાં આવશે. આ યજ્ઞ માટે ૧૦૦૦ થી વધુ પંડીતો બનારસથી દ્વારકા આવી રહ્યા છે. આ યજ્ઞ દ્વારા વાતાવરણની શુધ્ધિ પણ થશે. ખાસ કરીને હવિષ્યાન્નથી સમગ્ર પર્યાવરણમાં શુધ્ધ વાયુ પ્રસરે છે અને યજ્ઞસ્થળની આસપાસનું વાતાવરણ પણ શુધ્ધ બને છે. ભારતીય પરંપરામાં તો કહેવાયું છે કે, દરરોજ યજ્ઞ, જપ, તપ કરવું જોઇએ. માનવમાત્રએ આ ધર્મારાધના કરવી જોઇએ.

તેમણે જણાવ્યું કે ભારતીય પરંપરા હરિ એટલે વિષ્ણુ અને હર એટલે મહાદેવજી. બંનેની ઉપાસના થશે અને યજ્ઞમાં આહુતિ પણ આપવામાં આવશે. ખાસ કરીને બંનેની કૃપા પણ થાય ત્યારે વિશિષ્ટ કૃપા મળે છે. આ યજ્ઞ કરાવનારા ભુદેવો અને યજમાનોનું તો કલ્યાણ થાય જ છે, પરંતુ આ અતિવિશિષ્ટ યજ્ઞના દર્શન કરનારાને પણ તેનું ફળ મળતું હોય છે.યજ્ઞકાર્યમાં સેવા કરનારાઓને પણ તેનો લાભ મળતો હોય છે. જયારે આ નિમિતે પૂ.કનકેશ્વરીદેવીની શ્રીમદ ભાગવત કથાનું પણ આયોજન આ પ્રસંગે કરવામાં આવ્યું છે.

દંડી સ્વામી સદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે, દ્વારકા ખાતે શંકરાચાર્ય ગુરૂકુળનું નિર્માણ થઇ રહ્યુ છે. જેમાં ૫૦૦ ઋષિકુમારો અધ્યયન કરશે. આ માટે ચાર માળનું બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે. પ્રાચીન વૈદિક પરંપરા અનુસાર ઋષિકુમારો અધ્યયન કરશે અને વિવિધ વિદ્યાઓ શીખશે. જયારે શારદાપીઠ દ્વારકા ખાતે અધિક મહિના નિમિતે દર વર્ષની જેમ સમગ્ર મહિના દરમિયાન નિઃશુલ્ક ફળાહારનું વિતરણ કરાશે. અહી દર અધિક મહિનામાં ઉપવાસીઓ, અધિક માસ કરનારા આરાધકો પધારતા હોય છે.

તિર્થયાત્રા, અન્ન-વસ્ત્ર દાન અને ધાર્મિક કાર્યોનું મોટુ ફળ મળે

ભાવનગર : શેષશય્યા પર બિરાજમાન વિષ્ણુ ભગવાને મળમાસ તરીકે ઓળખાતા અધિકમાસ પર કરૂણા કરી ત્યારથી અધિકમાસનું મહાત્મય બધા જ માસથી અનેકગણું છે.

સૃષ્ટિની ઉત્પતી થઇ ત્યારથી દર ત્રીજા વર્ષે અધિકમાસ આવે છે. ભગવાન શ્રી પુરૂષોત્તમ પર અધિકમાસની કરૂણા થઇ અને અમૃતમાસ બની ગયો. દેવર્ષિ નારદ મળમાસને લઇને ભગવાન શ્રી વિષ્ણું પાસે આવ્યા અને વિષ્ણુ ગૌલોકમાં લાવ્યા, ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસન્ન થઇને આ મળમાસને કિર્તી, મહિમા, ઐશ્વર્ય, પરાક્રમ અર્પયા અને વેદ, ઉપનિષદ, પુરાણો એ મને પુર્ણ પુરૂષોત્તમ કહ્યો છે. એ નામ હું તને આપુ છું. આજથી હું તારો સ્વામી અધિષ્ઠાતા દેવ, આ વ્રત કરશે અને પામશે એ મોક્ષના અધિકારી બનશે. આ માસ સેંકડો ગણું ફળ આપનાર છે.તેથી તીર્થયાત્રા, અન્નદાન, વસ્ત્રદાન, ઉપવાસ, એકટાણા કરવા.

ભગવાનને પામવાનો માસ અધિકમાસ જેઠ સુદ એકમ તા. ૧૬-૫-૨૦૧૮ થી તા.૧૩-૬-૨૦૧૮ વદ અમાસ સુધી છે. પુરૂષોત્તમ (અધિક)માસના ત્રીસ અધ્યાય છે. જેમાં સુદ એકમના પ્રથમ અધ્યાય પર દ્રષ્ટિપાત કરીએ તો નૈમિષારણ્ય તેમજ કાંઠાગોરની કથા વર્ણવાયેલ છે. તેમાં મનુષ્યને નીંદા ત્યજવાનું કહ્યું છે. પુરૂષોત્તમ માસમાં સરીતા સ્નાન કરવાનું ભારોભાર એટલા માટે જણાવેલ છે કે, મહર્ષિ વ્યાસના શિષ્ય સુત પુરાણી તેમના શિષ્યો સાથે દક્ષિણના તમામ તીર્થોમાં સ્નાન કરીને બદરીકાશ્રમમાં પ્રભુના દર્શન કરીને સરસ્વતી નદીના કિનારે સિધ્ધપુર આવ્યા. ત્યાં આવતા જાણ થઇ કે હસ્તિનાપુરના પરિક્ષીત રાજાને સાત દિવસનું અનશનનું વ્રત છે. આ વેળા તેજસ્વી શુકદેવજી પણ હતા. આ સ્થાન ખાતે સાત દિવસ સુધી જ્ઞાનયજ્ઞનો લાભ શ્રી હરિની કૃપાથી પ્રાપ્ત થયો અને રાજા પરીક્ષીતની મુકિત થઇ. સુત પુરાણી પણ ગંગા કિનારે નૈમિષારણ્યમાં ઋષિમુનિઓના દર્શન માટે આવ્યા, દર્શન - વંદનનું મહાત્મય ઘણું બધુ શીખવી જાય છે. આ માસ તો કલ્યાણ મહોત્સવ જે નર - નારી સ્નાન દાન અને પૂજન કરશે. તેઓને પુરૂષોત્તમ ભગવાન સંપતિ, સુખ તથા સંતાન આપશે.

:- સંકલન -: મા મીનાદેવી

પૂજારી સંતોષી  માતાજી મંદિર મોવિયા,તા.ગોંડલ

પુરૂષોત્તમ માસની ૩૦ તિથિના વ્રત - દાન

૧. એકમનું વ્રત :    પાપ વિનાશક - તલનું દાન

ર. બીજનું વ્રત :      રૂદ્રવ્રત - ગોળનું દાન દેવું (પ્રેત યોનિમાંથી છુટે)

૩. ત્રીજનું વ્રત :     નીલ વ્રત - માથામાં તેલ ન નાખવું - બ્રાહ્મણને સીધો આપવો.

૪. ચોથનું વ્રત :     પ્રીતી વ્રત - ગૌરીપૂજન કરવું (સૌભાગ્યની વસ્તુનું દાન કરવું.

૫. પાંચમનું વ્રત :   શિવવ્રત - શેરડીનું દાન કરવું અથવા દૂધનું દાન કરવું (અકાળ મૃત્યુ અટકે)

૬. છઠ્ઠનું વ્રત :       સોમવ્રત - મીઠું નહિ ખાવાનું, મીઠાનું દાન કરવું (શત્રુ તથા ગુપ્તરોગ નાશ પામે છે.

૭. સાતમનું વ્રત :   સુગતિ - સુખડના લાકડાનું દાન કરવું (સારી ગતિ મળે), ચોખાનું દાન કરવું.

૯. નોમનું વ્રત :     વીરવ્રત - શકિત પ્રમાણે નાની બાળકી તથા ગૌરીમાની પૂજા કરવી. શણગારનું દાન કરવું. (પતિ અપરાધમાંથી છુટે).

૧૦. દશમનું વ્રત :   ત્ર્યંબકં વ્રત આ દિવસે કુંભદાન દેવું. કુંભ ઉપર દિવો       રાખી શિવમંદિરે મુકવો.

૧૧. અગિયારસનું વ્રત :      એકાદશી વ્રત : દાન પુણ્યનો અને ઉપવાસનો મહિમા છે.

૧૨. બારસનું વ્રત :  અહિંસા વ્રત : કુળદેવનો દિવો પ્રગટાવવો અને કુળદેવની પૂજા કરવી.     

૧૩. તેરસનું વ્રત :   પ્રદોશ વ્રત - શિવપુજન - શિવ દર્શનનો મહિમા.

૧૪. ચૌદશનું વ્રત :  શીલ વ્રત - આ દિવસે ઘરને સાફ કરી ઉંબરામાં સાથીયા પુરવા, કુળદેવીનો દિવો કરવો.

૧૫. પૂનમનું વ્રત :   પુરૂષોત્તમ ભગવાનનું પૂજન કરવું. (નિંદાના પાપથી       છુટે)

૧. એકમનું વ્રત :    દિપણી વ્રત - લાપસી ખાવી, બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું.

૨. બીજનું વ્રત :     દ્રઢ વ્રત - આ દિવસે ચંદન - કંકુ - કેસર - અત્તર વગેરે સુગંધી વસ્તુનું દાન કરવું (માતા પિતાના દોષની મુકિત)

૩. ત્રીજનું વ્રત :     બિલ્વ વ્રત ગુરૂ, વડીલોનું પૂજન કરવુ, વંદન કરવા (અળદનું દાન કરવું)

૪. ચોથનું વ્રત :     વિનાયક વ્રત - ગણેશની પુજા કરવી, ગણેશને લાડુ        ધરાવવા, બાળકોને પ્રસાદ વહેચવો.

૫. પાંચમનું વ્રત :   નામ પ્રભાકર - સુર્યની પુજા કરવી. એક જ અન્ન ખાવુ, જે અન્ન ખાવુ તેનું દાન કરવું.

૬. છઠ્ઠનું વ્રત :       સ્કંદ પૂજન : સુર્યની પૂજા કરવી. સુર્યના બાર નામ લઇ બાર નમસ્કાર કર્યા બાદ ફૂલ ચઢાવવા બપોરે ૧૨ વાગ્યે ૧૨ વખત ધી થી અગ્નિમાં આહુતી આપવી (વૈદ્યૃતિ)

૭. સાતમનું વ્રત :   સરસ્વતી વ્રત - ઘર સાફ કરી સાથિયો કરવો અને         બાળકોને મિઠાઇ આપવી.

૮. આઠમનું વ્રત :    શ્યામ વ્રત-પુરૂષોત્તમ પુરાણ તથા કથા કરનારની પુજા કરવી. દક્ષિણા આપવી.

૮. આઠમનું વ્રત :    શ્યામ વ્રત પુરૂષોત્તમ પુરાણની પુજા કરવી (દ્રષ્ટિદોષ નાશ થાય) ચોખાનું દાન કરવું.

૯. નોમનું વ્રત :     વિશ્વાનર વ્રત આ વ્રત કરનારે ખીર ખાવી, ચોખાનું દાન કરવું (અગ્નિ દેવ પ્રસન્ન થાય) (વ્યતિપાત) સંપુટ દાન, ગુપ્ત દાન.

૧૦. દશમનું વ્રત :   આનંદ વ્રત - આ દિવસે સોનાના - ત્રાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરી દાન આપવું.

૧૧. અગિયારસનું વ્રત :      પરમા વ્રત - સૌભાગ્યનું વ્રત છે. આ દિવસે પતિ સેવા તથા પુરૂષોત્તમ ભગવાનનું વ્રત કરવું.

૧૨. બારસનું વ્રત :  વીર વ્રત - આ દિવસે તીર્થ સ્નાન કરવું. તીર્થ દેવનું પૂજન કરવું (પુરૂષોત્તમ ભગવાનનું વ્રત)

૧૩. તેરસનું વ્રત :   યદુ વ્રત - બપોરે એકટાણું ન કરવું, સાંજે એકટાણું કરવુ. બાળકોને ગોળ - દાળીયા વહેચવા.

૧૪. ચૌદશનું વ્રત :  આ દિવસે કાંસાનું દાન આપવું (શરીર શુધ્ધિ થાય છે)

૧૫. અમાસનું વ્રત :     આ દિવસે શકિત પ્રમાણે બ્રાહ્મણને સીધાનું દાન, વસ્ત્રદાન આપવું.

(12:01 pm IST)