Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આમરણ ચોવીસી પંથકમાં સિંચાઇ આરોગ્ય શિક્ષણના વણઉકેલ્યા પ્રશ્નો

આજી-૪ સિંચાઇમાં ડેમી નદીના કાંઠાનો સમાવેશ નહી : અપુરતો આરોગ્ય સ્ટાફ : આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન બંધ

આમરણ તા. ૧૫ : આમરણ ચોવીસી પંથકના સિંચાઇ, આરોગ્ય, શિક્ષણ, કાયદો વ્યવસ્થા વગેરે વણઉકેલ પ્રશ્નો અંગે બેલા, ઉટબેટ, પાડાબેકડ, ફડસર, ઝિંઝુડા, રાજપર, ધૂળકોટ વગેરે ગ્રામપંચાયતો દ્વારા એક સામુહિક આવેદનપત્ર સાંસદ પૂનમબેન માડમ તેમજ પૂર્વ ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલને પાઠવી તાકિદે ઘટતું કરવા માંગણી કરી છે.

જોડીયા તાલુકાના તારાણા પાસે આજી-૪ ડેમમાંથી આમરણ ચોવીસી પંથકના સુકી ખેતીવાળા ગામોને સિંચાઇ સુવિધાનો લાભ મળી રહે તે માટે કમાન્ડ એરિયામાં સમાવેશ કરવો જરૂરી છે. હાલ ડેમી નદીના પશ્ચિમ કાંઠાના ગામોનો સર્વેમાં સમાવેશ કરી કેનાલનું કામ કાર્યરત છે. આજી - ૪ સિંચાઇ યોજનામાં ડેમી નદીના પૂર્વ કાઠાનો સમાવેશ કરાયેલ નથી. આ બાબતે ઘટતી કાર્યવાહી કરી સિંચાઇનો લાભ આપવા માંગણી કરવામાં આવી છે.આમરણ ખાતેના પીએચસીની સી.એચ.સીમાં અપગ્રેડ કરી આરોગ્ય સેવા વિસ્તારવી જરૂરી છે. અપૂરતા નર્સીંગ સ્ટાફને કારણે નાછુટકે શહેરોની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓએ જવુ પડે છે.

આમરણ ખાતે સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક શાળાઓને ધ્યાનમાં રાખી ધો. ૧૦નું પરિક્ષા કેન્દ્ર આપવું જરૂરી છે. ચોવીસી પંથકમાં ૧૦ ઉપરાંત મા.શાળાઓ આવેલી છે. પરિક્ષા કેન્દ્ર માટે નિયમાનુંસાર વિદ્યાર્થીઓ પણ છે. મા.શિ.બોર્ડ દ્વારા આગામી માર્ચ ૧૯ થી આમરણ ખાતે છેક મોરબી-જોડીયા કેન્દ્રો સુધી પરિક્ષાર્થીઓએ જવું પડે છે.

આમરણ ખાતે આઇ.ટી.આઇ સેવા ઉપલબ્ધ બનાવવા માંગણી કરવામાં આવી છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો લાભ ઘરઆંગણે આપવામાં આવે તો પછાતવર્ગના અસંખ્ય બાળકો વ્યવસાયિક તાલીમ મેળવી રોજીરોટી મેળવી શકે તેમ હોય ઘટતા પગલા લેવા જરૂરી છે.

જોડીયા તાલુકાના આમરણ સહિત ૧૪ ગામોનો મોરબી જિલ્લામાં સમાવેશ કરાયા બાદ તુરંત અત્રે આઝાદીકાળથી કાર્યરત આઉટપોસ્ટ પોલીસ ચોકી બંધ કરી દેવામાં આવી છે. આમરણ ચોવીસી પંથકમાં ફરીથી ઓ.પી.શરૂ કરવા તેમજ સ્વતંત્ર પી.એસ.આઇ અને સ્ટાફની ફાળવણી કરવા રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ૪ વર્ષ થયા ૪ કોન્સ્ટે. અને ૧ હેડ કોન્સ્ટે. મહેકમવાળુ ઓ.પી. બંધ કરી દેવાતા ગુનાખોરી માનસ ધરાવતા તત્વો પરની પોલીસની ધાક ઓસરી જવા પામી છે.

(11:59 am IST)