Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ

દેવભૂમિ દ્વારકા, તા.૧પઃ જીલ્લા સેવા સદન કલેકટર કચેરી સભાખંડમાં પ્રિ-મોન્સુન અંગે કલેકટરશ્રી જે.આર.ડોડીયાના અધ્યક્ષ સ્થાને એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે કલેકટરશ્રી જે.આર.ડોડીયાએ જણાવ્યું કે આવનાર ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડીઝાસ્ટર પ્લાન અદ્યતન, બચાવ અને રાહત સાધનોની વિગતો, સ્ટાફની અદ્યતન માહિતી, નોડલ ઓફીસરની નિમણુંક, તેમજ સંદેશા વ્યવહારના સાધનોની ચકાસણી વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. કુદરતી આફત વખતે થયેલા નુકશાનની માહિતી જિલ્લા કલેકટરશ્રીને તાત્કાલીક આપવા સુચના અપાઇ હતી. તેમજ રીલીફ અને રેસ્કયુની કામગીરી સત્વરે કરવા જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે આફતના સમયે કંટ્રોલ રૂમના અધિકારીઓએ મધ્યસ્થ કંટ્રોલરૂમ સાથે સતત સંપર્કમાં રહેવા, તાલુકા કક્ષાએ પીએચસીના રેઇનગેજ ચાલુ હાલતમાં રાખવા જણાવ્યું હતું. જે તે તાલુકામાં કંટ્રોલરૂમો જેવા કે સિંચાઇ, આરોગ્ય, ફોરેસ્ટ તેમજ નગરપાલીકામાં  કાર્યરત કરવા તથા આફતના સમયે હેડકર્વાટરમાં હાજર રહેવા સુચના આપી હતી. રસ્તા પર વૃક્ષો પડે તો ઉપાડવાની વ્યવસ્થા કરવી. પુરવઠા અધિકારીને જરૂરી પુરવઠો જાળવી રાખવા, જીલ્લાના દરેક ડેમ પર વાયરલેસ સેટ ચાલુ રાખવા, અસરગ્રસ્તોને રાહત સામગ્રી પહોંચતી કરવા સુચના આપી હતી. સલામત આશ્રય સ્થાનોમાં પાણીની વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા વગેરે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું તેમજ સિંચાઇ, માર્ગમકાન, નગરપાલિકા, પીજીવીસીએલ વગેરે લગત વિભાગોને જરૂરી સુચનાઓ આપી હતી.  નિવાસી અધિક કલેકટરશ્રી વ્યાસે જે તે વિભાગને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. તેમજ કોઇ પણ બનાવ બને તો તે અંગેની જાણ તાત્કાલીક કલેકટરશ્રીના કંટ્રોલરૂપ ફોન નંબર ૦૨૮૩૩ ૨૩૨૧૨૫ પર કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં નાયબ કલેકટરશ્રી માંડોત, સરવૈયા, દ્વારકાના પાંત અધિકારીશ્રી જાડેજા, મામલતદારો, ચિફઓફિસરો તેમજ જીલ્લાના સંલગ્ન વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ અને પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:57 am IST)