Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ઉનામાં પૌરાણિક શનિદેવ મંદિરે શનિ જયંતીની ઉજવણીઃ રાત્રે ૧૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે

ઉના તા. ૧પ :.. પૌરાણીક શની મંદિરે શનિ જયંતિ ઉજવણીમાં ભાવિકોની ભીડ જામી રહી છે.

ટાવર ચોક સામે શનેશ્વર ધર્મશાળાનાં સંકુલમાં અતિ પ્રાચીન અને પૌરાણીક સ્વયંભુ પ્રગટ થયેલ શનેશ્વર દેવનું મંદિર ૪૦૦ થી વધુ વરસ જુનુ હોવાની માન્યતા છે.

આ જગ્યાએ ઉનાના દિવાન દ્વારા ધર્મ શાળા બનાવવાનાં બાંધકામ માટે પાણી મેળવવા કુવો ખોદાતો હતો ત્યારે ર થી ૩ ફુટ ખોદકામ બાદ એક અખંડ પથ્થરમાં કોતરેલ મોટી મધ્યમ, નાના કદની પનોતી સ્વરૂપ મૂર્તિ મળી આવતા કુવો અન્ય જગ્યાએ બનાવી વિધિપૂર્વક શનેશ્વર મંદિરની સ્થાપનાં પીપળાના ઝાડ નીચે કરી હતી. ત્યારથી દર વરસની વૈશાખ વદ-૩૦ (અમાસ) નાં દિવસે શનેશ્વર જયંતિ ધામધુમપૂર્વક ઉજવાય છે.

દર શનીવારે મોટી સંખ્યામાં શનિભકતો દર્શને આવી તેલ, કાળા તલ, અડદ, આંકડાની માળા ત્થા શ્રીફળ ધરાવે છે. ત્યાં ૧પ વૈશાખ વદ અમાસને મંગળવારે શનિ જયંતિ ભારે ભકિત ભાવ પૂર્વક ઉજવાય રહી છે.

સવારે સદ્રોવસ્તર પૂજન મંગળા આરતી બાદ શનિદેવનાં દર્શને ભકતોની ભીડ ઉમટી પડી છે. મંદિરનાં સંચાલકો દ્વારા દરેક ભકતોની છુટું ચુરમાની પ્રસાદી અપાય રહી છે. સંધ્યા આરતી અને રાત્રે ૧૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સમગ્ર સોરઠભરમાંથી ત્થા દિવ પ્રવાસે આવતા પ્રવાસીઓ અચુક દર્શન કરવા આવે છે.

(11:55 am IST)