Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

હવામાનમાં પલ્ટો પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો માટે ચિંતાનું કોઈ કારણ નથી

મહત્તમ તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી નીચે ઉતરતા ગરમીમાં સામાન્ય રાહત

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધખતો તાપ યથાવત છે. જો કે મહત્તમ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રી જેટલો ઘટાડો થતા ગરમીમાં સામાન્ય રાહતનો અનુભવ થઈ રહ્યો છે.

છેલ્લા ઘણા દિવસોથી મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થઈ જતો હોવાથી લોકો અકળાઈ ઉઠયા છે અને આકરા તાપના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

વેરાવળના અગ્રણી વેલજીભાઈ મસાણીએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે, હાલમાં વાતાવરણમાં પલ્ટાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના માછીમારો માટે ચિંતાનું કોઈ કારણ નથી.

હાલ ચાલી રહેલા વેસ્ટર્નલી ટુ નોર્થ વેસ્ટર્નલી પવનોના કારણે સાગરકાંઠા સિવાયના તમામ શહેરોમાં ગરમીનું પ્રમાણ વધારે છે. આની વચ્ચે રાજકોટમાં બે સપ્તાહ પછી ગરમીમાં આંશિક ઘટાડો નોંધાઈને ૪૧.૯ ડીગ્રી તાપમાન બન્યુ હતું.

ઉત્તર ભારતના સમુદ્ર બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં સાયકલોનિક સરકયુલેશન ઉદભવતા આની અસર ગુજરાતના દરિયાને થઈ શકે એવી શકયતાએ સૌરાષ્ટ્રના માછીમારોને દરિયામાં બે દિવસ સુધી ન જવાની સૂચના જારી કરી છે.

જે આવતા ૨૬ કલાકમાં ડીપ્રેશનમાં તબદીલ થવાની શકયતા છે અને પછી આ સ્થિતિ ઓમાન તરફના દરિયામાં ગતિ કરશે જો કે સૌરાષ્ટ્રમાં કોઈ હવામાનમાં ફેરફાર નહીં થાય પણ દિલ્હીની રીજીયોનલ સ્પેશિયાલાઈઝડ મીટીરીયોલોજીકલ સેન્ટર, ટ્રોપીકલ સાયકલોન્સ ન્યુ દિલ્હીને વેધર રીપોર્ટમાં આ અસર બંગાળની ખાડીમાં થવાની શકયતા દર્શાવી છે.

જામનગર

જામનગરઃ હવામાન ખાતાના સંદેશા અન્વયે આગમચેતીને ધ્યાને લઈ આગામી ૨૪ કલાક દરમ્યાન જામનગર જિલ્લાના તમામ માછીમારોએ દરિયો ન ખેડવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી જામનગરની યાદીમાં જણાવાયુ છે.(૨-૪)

(11:49 am IST)