Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

મગફળી ખરીદીમાં કૌભાંડ થયું હોય તેનો નાશ કરવા આગ લગાડાઈ હોવાની શંકાઃ બાંભણીયા

જસદણ, તા. ૧૫ :. માજી ધારાસભ્ય ભીખાભાઈ બાંભણીયાએ એક નિવેદનમાં જણાવેલ છે કે ખેડૂતો પાસેથી ચોખ્ખી મગફળી ખરીદ્યા પછી મગફળીની ગુણીમાં કાંકરા અને માટી કઈ રીતે આવેલ છે ? તેની ગંભીરતાપૂર્વક દરેક ગોડાઉનમાં તપાસ કરવી જરૂરી છે. જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓના માણસો મારફત મીલીભગતથી ખરીદીમાં મોટાપાયે કૌભાંડ કરવામાં આવેલ છે અને તેનો નાશ કરવા માટે આગ લગાડવામાં આવે છે તેવી શંકા ઉપસ્થિત થાય છે.

ગોડાઉન મેનેજર તથા જે સંસ્થાએ મગફળી મોકલી છે તેના જવાબદાર હોદેદારો સામે કાયદેસરની કાર્યવાહી વહેલી તકે કરવામાં આવે તો આ અગ્નિકાંડના બનાવોેની સત્ય હકીકત બહાર આવે તેમ છે. તેમ જ જે કેન્દ્રમાંથી મગફળી ખરીદાયેલ છે તેમા જે ખેડૂતો બાકી રહી ગયા છે તેના નિવેદનો પણ લેવા જોઈએ.

જે સંસ્થાઓએ મગફળીની ખરીદીનું કામ કરેલ છે તેઓના ટ્રક ભાડા, મજુરી, કમિશન તથા અન્ય ખર્ચાઓના બીલની રકમ હજુ ચૂકવવામાં આવેલ નથી તેમ જ ખેડૂતના બીલની રકમ બાકી હોય તો વહેલી તકે ચૂકવવાની સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.

સરકારે ખેત ઉત્પાદનની ખરીદી કરવાને બદલે વાવેતરની એકર દીઠ રકમ નક્કી કરીએ જે રકમ થાય તે સીધા ખેડૂતના ખાતામાં જમા થાય તેવી પદ્ધતિ અપનાવવી જોઈએ પરંતુ અનેક વખત કરવામાં આવેલ રજૂઆતને  ધ્યાને  લેવામાં  આવેલ  નથી.

(11:45 am IST)