Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મોરબીમાં સ્મશાનની ભઠ્ઠી પણ હવે તો મોતોનો તાપ નથી જીરવી શકતી !

૨૪ કલાક અંતિમવિધિથી લીલાપર સ્મશાનમાં ભઠ્ઠી ફાટી ગઇ

મોરબી,તા. ૧૫:  મહામારીની બીજી લ્હેર દેશના અન્ય રાજયો અને ગુજરાત સહિત મોરબી જિલ્લામાં પણ કહેર વર્તાવી રહી છે. અત્યંત ચેપ ફેલાવતો કોરોનાનો નવો અને વધુ સશકત બનેલો વાયરસ દર્દીઓના પ્રાણ લેવામાં પળનો પણ વિલંબ નથી કરતો. સરકારો દ્વારા તૈયાર કરાયેલી આરોગ્ય સેવાઓ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં આવી ગઈ છે ત્યારે હવે તો મોરબીના સ્મશાનો પણ હાંફી રહ્યા હોવાનું સ્પષ્ટ કરતી એક તસ્વીર સામે આવી છે અને તસ્વીરો કયારેય જુઠ્ઠ નથી બોલતી.

મોરબી વેજીટેબલ રોડ સ્થિત સ્મશાનમાં ગેસ આધારિત અગ્નિદાહની ભઠ્ઠીમાં સતત મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા હોવાથી સ્મશાન ભઠ્ઠીની ચીમની લાલ થઈ ગઈ હોવાના દ્રશ્યો કેમેરામાં કિલક થયા છે. આ અત્યંત ભયાવહ સ્થિતિ એ વાતની સાક્ષી પૂરે છે કે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. સરકાર સાથે સહયોગ અને વ્યવસ્થા સાથે સમાયોજન સાધીને આ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાનો આ સમય છે. સરકારી ગાઈડલાઇન્સનું પાલન એ આપણી ફરજ તો છે જ પણ હવે એ આવશ્યક જરૂરિયાત બની ગઈ છે.

(12:49 pm IST)