Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ગોંડલના દેરડીકુંભાજીમાં ૧પ દિ'માં ૪૦૦ થી વધુ કોરોના કેસ : મૃત્યુના બનાવોથી ચિંતા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧પઃ ગોંડલ શહેરથી ૩૬ કિમિ દૂર આવેલ તાલુકા કક્ષાના ૧૨૦૦૦ ની વસ્તી ધરાવતા દેરડી કુંભાજી ગામ માં છેલ્લા પંદર દિવસમાં કોરોના ના ૪૦૦ થી વધુ કેસ નોંધાઈ જવા પામ્યા છે અને કોરોના એ ૧૫ થી વધુ લોકોનો ભોગ લીધો હોય સ્વૈચ્છીક લોકડાઉન અને સરકારી ગાઈડ લાઈન નું પાલન કરવું જરૂરી થઈ ગયું છે. તાલુકા પંચાયતના સદસ્ય ચિરાગભાઈ ગોલ એ જણાવ્યું હતું કે કોરોના ના કારણે છેલ્લા પંદર દિવસ માં દેરડી કુંભાજી ગામની હાલત અતિ બદતર થઈ જવા પામી છે ગામના સ્વજન નટવરલાલ વંડરા ઉ.વ. ૮૦, ગાંડુંભાઇ ટાઢાણી, રસિકભાઈ દોંગા ઉ.વ. ૭૨, ભીખાભાઇ ગોલ, શોભનાબેન વરણાગર ઉ.વ. ૫૮ તેમજ શિવલાલભાઈ દોંગા ઉ.વ. ૮૦ સહિતના લોકો કોરોના ના કારણે આપણી વચ્ચે રહ્યા નથી, ૪૦૦ થી વધુ કોરોના ના કેસ નોંધાયા છે દર્દીઓ ગામ, ગોંડલ, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી સહિતના ગામોમાં સારવાર લઈ રહ્યા છે દર્દી અને તેમના પરિવાર ની હાલત કફોડી બની છે  ચિરાગભાઈ ગોલ, સરપંચ શૈલેષભાઇ ખાતરા ગામના આગેવાનો અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે લોકો સ્વૈચ્છીક લોકડાઉન નું પાલન કરે, માસ્ક પહેરે, સરકારી ગાઈડ લાઈન અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરે જેના થકીજ કોરોના ને માત આપી શકાશે તેવું અંતમાં જણાવ્યું હતું.

(11:42 am IST)