Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

ભાણવડ પંથકમાં રાત્રે પ્રચંડ વિસ્ફોટ

પ્લેન ક્રેસની અફવા, સત્ય શું ? રહસ્ય સર્જાયુ !

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૫ : ભાણવડ પંથકમાં ગઈ કાલે રાત્રે પ્રચંડ વિસ્ફોટ સાથે ધરા ધ્રુજી ઉઠતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. રાત્રે સાડા આઠેક વાગ્યાની આ ઘટના અંગે કોઈ પુરાવા કે વાસ્તવિકતા સામે ન આવતા રહસ્ય સર્જાયું છે. રાત્રે નવાગામ નજીક પ્લેન ક્રેશ થયું છે એવી અફવા છેક સવાર સુધી ચાલી, તો બીજી તરફ આકાશી ઉલ્કા ખર્યા હોવાની પણ વાત વહેતી થઇ હતી. પરંતુ ભેદી વિસ્ફોટ અંગે સતાવાર કારણ હજુ જાહેર થયું નથી. મોડી રાતે સોશ્યલ મીડિયામાં ધડાકા બાદ આગ લાગી હોવાની વાત વહેતી થઇ હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભેદી ધડાકાનો સિલસિલો શરુ થયો છે તેનાથી ભય ઉભો થયો છે. અગાઉ ત્રણેક માસ પૃવે ખંભાલીયા પંથકમાં મોડી રાત્રે પ્રચંડ વિસ્ફોટ સાથે ધડાકો થયો હતો. જેનો પ્રચડ અવાજ બે ત્રણ ગામડાઓના સીમાડાઓ સુધી પહોચ્યો હતો આ ઘટના પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી ત્યાં ગત રાત્રે ભાણવડ પંથકમાં આવી જ એક ઘટના ઘટી હતી. ગત રાત્રે સાડા આઠેક વાગ્યા આસપાસ તાલુકાના બરડા વિસ્તારમાં આવેલ નવાગામ આસપાસ એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ છેક જામજોધપુર તાલુકાઓના ગામડાઓ સુધી સંભળાયો હતો.

ધડાકો થતા જ અફવાઓનો દોર શરૂ થયો હતો. પવનચક્કી સાથે પ્લેન અથડાતા ધડાકો થયો હોવાની અફવા કલાકો સુધી ચાલી હતી પરંતુ આ બાબત સત્યતા સામે આવી ન હતી. અમુક લોકોમાં એવી ચર્ચાઓ શરૂ થઇ હતી કે આકાશી ઉલ્કા પીંડ તૂટી ખર્યો હતો જેને કારણે ઘર્ષણ થતા પ્રચંડ વિસ્ફોટ થયો છે. પંરતુ સવાર સુધી આ ઘટના અંગે કોઈ ઠોસ કારણ સામે નહી આવતા આશ્યર્ય સર્જાયુ છે. બીજી તરફ સરકારી તંત્ર પાસે તો આવી કોઈ ઘટનાની ચર્ચાઓ અંગે પણ વિગતો નથી. ત્યારે આ વિસ્તારના નાગરિકોમાં ભય ફેલાયો છે. આ ભયને દુર કરવા તંત્ર ચોક્કસ દિશામાં તપાસ કરવી જ રહી તે નિશ્ચિત છે.

(11:40 am IST)