Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ખંભાળીયા : આઇપીએલની 'ગુગલી'માં અનેક પ્રતિષ્ઠિત વેપારીઓ 'બોલ્ડ' થતાં પાંચેક કરોડનું ધોવાણ

શહેરના પાંચેક વેપારીઓ, વેપારી પુત્રો અં.દા. બેથી ત્રણ કરોડના ફૂલેકામાં ચડયા : બુકીઓનું નાણાંકીય પ્રેસર વધતા વૈભવી કારોનું રાતોરાત વેચાણ : શહેરમાં ત્રણેક જગ્યાએ ચાલતા ક્રિકેટના ડબ્બા : રાજકોટ સુધી કપાત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧પ : નોટબંધી, જીએસટીનો કમ્પર તોડ કાયદો, મોંઘવારીનો માર અને કારમી મંદી વચ્ચે અબજો રૂપિયાની સોદાબાજી સાથે શરૂ થયેલી આઇપીએલ ક્રિકેટ લીગનો ફિવર સમગ્ર દેશ-વિદેશમાં છવાયો છે જેને લઇને સટ્ટા બજાર પણ ફુલ ફોર્મમમાં ચાલી રહ્યું છે. દરરોજના કરોડોની હારજીતમાં અનેક નાના-મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓ ગણતરીના કલાકોમાં જ રોડપતિ થઇ ગયાના કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે.

ખંભાળીયામાં મળતી રાત્રી ઓટલા પરિષદો અને ચોરાની ચર્ચાઓમાંથી મળતી વિગતો મુજબ આઇપીએલ સિઝનમાં બેટીંગ-બોલીંગ અને મેચ હારજીતનો જબરો સટ્ટો રમતા શહેરના પાંચેક પ્રતિષ્ઠિત વેપારીઓ તથા વેપારી પુત્રો અંદાજીત બેથી ત્રણ કરોડ રૂપિયામાં ઉઠી જવાની વાતનો વંટોળ આખાયે ગામમાં ફેલાયો છે. આઇપીએલના શરૂ થવાની ગણતરી પૂર્વે જ રાતોરાત કરોડપતિ થઇ જવા માટેના વૈભવી સપનાઓ જોતા બેથી ચાર દિવસમાં જ કરોડો રૂપિયા હારી જતા કેટલાક લોકોની હવે ઉંઘ જ હરામ થઇ ગઇ છે. આઇપીએલની ચસ્કા ચટાકા જેવી ધીમે પડતી ગુગલીએ આ પાંચેય વેપારીઓને કિલન બોલ્ડ કરી દેતા હવે સ્ટેડીયમમાં બેસવા જેવી હાલત પણ રહી નથી. પાંચેય વેપારી પૈકીના કોઇક એક ખોખું આખું તો કોઇક ૧૦,૧પ કે રપ, ૪૦ લાખ એમ કુલ મળી બેથી ત્રણ કરોડો રૂપિયાનું ધોવાણ થઇ જતા તાત્કાલી વૈભવીકારોનું વેચાણ શરૂ કરી દેવામાં આવ્યું છે જે પછી હાથ લાગ્યું વહેંચી બુકીઓને ચૂકવણા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરના ફાયનાન્સરો પાસેથી પણ મસ-મોટા વ્યાજે રૂપિયા ઉપાડી ખેલ પૂરો કરી રહ્યા છે. ત્યારે આવતા દિવસોમાં તોતીંગ  વ્યાજના વિષચક્રમાં પણ ફસાવાની શકયતાઓ પણ નકારી શકાય તેમ નથી. જો કે કરોડો હારી જનાર પાંચેય પૈકીના બેથી ત્રણ વ્યકિતઓ કાયમી મેચ, શેર બજાર અને નતનવા જુગારના બાજીગર છે. આથી તેમની હાલત તો મેચના બેટસમેન જેવી છે. વિકેટ પડે ત્યારે પેવેલીયન અને જામી જાય તો પીચ ઉપર ચોક્કા-છગ્ગા પરંતુ અન્ય બે વ્યકિતઓ માટે કપરા ચઢાણ થાય તો નવાઇ કહી શકાય તેમ છે. હાલ તો આ પાર્ટીઓ લાખો-કરોડોના ફૂલેકા પર ચડી છે ત્યારે આવતા દિવસોમાં અન્ય કોઇને ચકલી ફૂલેકે ચડાવે છે કે કેમ તે જોવાનું રહ્યું છે.

(3:59 pm IST)