Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રીબડા ખાતે બોલેરો ચાલકે એકટીવાને ઠોકર મારતા પ્રૌઢ દંપતી સહિત ત્રણ ઘવાયા

અકસ્માતમાં ઇજાગ્રસ્તના સોનાનો ચેઇન સહિત ૧.૭૦ લાખની મતા શાપરની ૧૦૮ ના કીશનભાઇ અને રવીભાઇએ પરત કરી પ્રમાણીકતા દાખવી

રાજકોટ તા ૧૫ :  ગોંડલ રોડ પર રીબડા ગામ પાસે બોલેરોના ચાલકે એકટીવાને ઠોકર મારતા વૃધ્ધ સહિત ત્રણને ઇજા થતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

મળતી વિગત મુજબ શાપરમાં રહેતા મનસુખભાઇ બાબુભાઇ પંડયા (ઉ.વ.૫૫) તથા પત્ની રક્ષાબેન પંડયા (ઉ.વ.૫૨) અને નવાસી ક્રિષ્ના (ઉ.વ.૧૦), ત્રણેય ગઇકાલે એકટીવામાં રીબડા જતા હતા ત્યારે બોલેરાના ચાલકે એકટીવાને પાછળથી ઠોકર મારતા ત્રણેય ફંગોળાઇ ગયા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતા  શાપર ૧૦૮ ના ઇએમટી કિશનભાઇ રાજાણી અને પાઇલોટ રવીભાઇ આહીરે સ્થળ પર પહોંચી ત્રણેય ઇજાગ્રસ્તોને રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત મહીલા પાસેથી સોનાનો ચેઇન સહીતની ૧.૭૦ હજારની  કીંમતી વસ્તુઓ મળીઆવતા ૧૦૮ ની ટીમે તમામ મુદામાલ પરત કરી પ્રમાણીકતા દાખવી હતી અને જાણ કરતા શાપર વેરાવળ પોલીસે તપાસ આદરી છે.

(3:47 pm IST)