Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ખોડલધામમાં ગાયત્રી પરિવારના દિપયજ્ઞ સાથે ચૈત્રી નવરાત્રી મહોત્સવનું સમાપન : નવ દિવસમાં હજારોની સંખ્યામાં ભકતો ઉમટયા

 રાજકોટ : રવિવારે ચૈત્રી નોમ સાથે ખોડલધામમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવનું સમાપન કરાયુ હતુ. ચૈત્ર સુદ એકમથી નોમ સુધી માતાજીની વિશેષ આરાધના કરવામાં આવી હતી. લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ કાગવડ ખાતે નવે નવ નોરતે માં ખોડલની વિશેષ ઉપાસના કરાઇ હતી. ગામો ગામના બહેનોની સમિતિઓ દ્વારા અહીં વિવિધ કાર્યક્રમો અપાયા હતા. આઠમના દિવસે મંદિર પરિસરમાં રાસ, ગરબા, ધૂન કિર્તન, રચનાત્મક રંગોળી, મંત્ર જાપ, થાળ, ચુંદડી અર્પણ કરવાના કાર્યક્રમો થયેલ. આઠમના વિશેષ હવન રાખવામાં આવ્યો હતો. આ દિવસે રાજકોટ શાપર અને વેરાવળથી ખોડલધામ મહિલા સમિતિની બહેનો દ્વારા રાસ ગરબા, ધૂન કિર્તનની રમઝટ બોલાવાઇ હતી. મંત્ર જાપ, થાળ, યજ્ઞ અને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. શાપર મહિલા સમિતિના બહેનો દ્વારા સુંદર રંગોળી તૈયાર કરી મંદિર પરિસરમાં વિવિધ સામાજીક સંદેશાઓ પ્રસરાવવામાં આવ્યા હતા. સ્ટોપ સ્મોકિંગ, સેવ પ્લાનેટ, સેવ અર્થ સહીતના સુત્રો લખેલી કલાત્મક રંગોળી બનાવાઇ હતી. નવમાં નોરતે ગાયત્રી પરિવારના દીપયજ્ઞ સાથે ચૈત્રી નવરાત્રીની પૂર્ણાહુતી કરાઇ હતી. નવે નવ દિવસના કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં ભાવિક ભકતોએ દર્શનનો લ્હવો લીધો હતો. તેમ ખોડલધામ ટ્રસ્ટ કાર્યાલય રાજકોટ (ફોન ૦૨૮૧ ૨૩૭૦૧૦૧) ની યાદીમાં જણાવાયુ છે.

(12:13 pm IST)