Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

સુલતાનપુર પાસે ભાદરકાંઠે ખનીજ ચોરી ઝડપાઇ :13 શખ્સોની અટકાયત

8 ટ્રેક્ટર, એક જેસીબી, એક હુડકું સહીત 25 લાખનો મુદામાલ જપ્ત : ખનીજ ચોરોમાં ફફડાટ

ગોંડલ: ગોંડલના સુલતાનપુર પાસે આવેલ ભાદર કાંઠા વિસ્તારમાં ખનીજ ચોરી ઝડપાઇ છે ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ એએસપીએ દરોડો પાડી 8 ટ્રેક્ટર, એક જેસીબી, એક હુડકું સહિતનો મુદામાલ જપ્ત કરીને 13 જેટલા શખ્સોને અટકાયત કરતા ખનીજચોરોમાં ફફડાટ ફેલાયો છે .
    મળતી વિગત મુજબ  કન્સ્ટ્રક્શન લાઈનમાં ભાદરકાંઠાની રેતીનું મહત્વ હોય જેના કારણે આ કાળી રેતીની માંગ પણ વધુ રહેતી હોય રેતી ખનીજ માફયા બેખોફ બની રેતી ચોરી કરી રહ્યા હોય  ગોંડલ તાલુકા પોલીસના પ્રોબેશનલ એ.એસ.પી અમિત વસાવાએ સુલતાનપુર પાસે ભાદર નદી કાંઠે દરોડા પાડી 8 ટ્રેક્ટર એક જેસીબી મશીન તેમજ એક હુડકું સાથે 13 શખ્સોની અટક કરતાં ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
   આ દરોડા કાર્યવાહીમાં ગોંડલ તાલુકા પોલીસ પણ સાથે રહી હતી.પોલીસે તમામ વાહનો તથા સાધનો મળીને કુલ રૂ. ૨૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
   અત્રે ઉલ્લેખનીય છે કે ભાદર ડેમ નો વ્યાપ ખૂબ જ મોટો હોય સુલતાનપૂર થી લઇ શિવરાજગઢ સુધી અનેક જગ્યાઓએ રેતી માફિયાઓ પોતાનો અડીંગો જમાવી બેઠા હોય પ્રોબેશનલ એએસપી દ્વારા દરોડાનો દોર શરૂ રાખી દરેક જગ્યાએથી રેતી અને વોરા કોટડા નજીક થઇ રહેલી કાળા પથ્થરોની ખનીજ ચોરી અટકાવવામા આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

(12:14 am IST)