Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ફાન્‍સ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં કાઠીયાવાડનું કૌવત ઉજાગર થશે : સાવરકુંડલાના ફિલ્‍મ મેકર અભિજીત ખુમાણની ફિલ્‍મ કાન્‍સી ફેસ્‍ટીવલમાં દર્શાવાશે

રાજકોટઃ અમરેલીના જિલ્લાના સાવરકુંડલા ખાતે જન્મેલા ફિલ્મમેકર અભિજીત ખુમાણ માટે એ ઘડી ગૌરવની હતી જ્યારે તેમણે જાણ થઈ કે તેમણે બનાવેલી 26 મિનિટની લઘુ મરાઠી ફિલ્મદૈવારને આગામી 8મેથી 19મે દરમિયાન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવશે.

ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી પાસ થયેલ અભિજાતની આ ફિલ્મ નોનકોમ્પેટિટિવ કેટેગરીમાં સિલેક્ટ થઈ છે તેથી કોઈ સ્પર્ધાત્મક્તા નથી તેમ છતા અભિજીતે આશા દર્શાવી કે તેની ફિલ્મને જજીસ વખાણશે જરુર.

29 વર્ષીય અભિજીતનો જન્મ અને અભ્યાસ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે થયો છે. ગત માર્ચ મહિનાના મધ્યમાં તેણે આ ફિલ્મ બનાવી હતી. ફિલ્મની સ્ક્રિપ્ટ અને ડિરેક્શન બંને અભિજીતે કર્યું છે અને ફિલ્મમાં મહારાષ્ટ્રના ખેડૂતોની આત્મહત્યા જેવા સંવેદનશીલ મુદ્દાને વણવામાં આવ્યો છે.

મીડિયા સાથે વાતચીત કરતા અભિજીતે કહ્યું કે, ‘ફિલ્મ ખેડૂતોના સળગતા મુદ્દાને યથાર્થરુપે નિરુપણ કરે છે. જ્યારે પણ ખેડૂત આત્મહત્યા કરે છે ત્યારે સરકાર તેના પરિવારને આર્થિક વળતર ચૂકવે છે. જોકે આ બધા જ પૈસા સીધા જ ખેડૂતને વ્યાજે આપનાર લોકો પાસે ચાલ્યા જાય છે. ત્યારે પરિવારનું શું? ફિલ્ની શરુઆત આવા જ એક દ્રશ્યથી થાય છે. જેમાં વ્યાજે નાણાં ધીરનાર વ્યક્તિ એક આત્મહત્યા કરનાર ખેડૂતના ઘરે પહોંચે છે અને તેના ભાઈ પાસે વળતરની રકમ આપવા માગણી કરે છે.

FTIIમાંથી 2016માં ટેલિવિઝન ડિરેક્શનમાં અભિજીતે ડિપ્લોમાં કર્યું છે. તેણે પોતાના 11 ક્લાસમેટ સાથે મળીને તેમની પાસે જે ભેગુ થયેલું બજેટ હતું તેમાંથી આ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. અબિજીતે કહ્યું કે, ‘આ ફિલ્મ બનવવા પાછળની વાત એવી છે કે જ્યારે ગત સપ્ટેમ્બર મહિના દરમિયાન અમે મહારાષ્ટ્રના એક ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે અમને ત્યાં ચા અને સિંગચણા વેચતા એક ખેડૂતની વાતમાંથી તેમના જીવન અંગે સ્ટોરી બનાવવાની પ્રેરણા મળી. હજારો ખેડૂત પોતની ખેતી મુકીને અન્ય કામ કરવા માટે મજબૂર બની રહ્યા છે.

અભિજીતે પોતાની આ ફિલ્મને શંઘાઈ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે મંજૂરી મેળવવા મોકલી છે અને દાદાસાબેબ ફાળકે ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સ્ક્રીનિંગ થાય તે માટે પ્રયાસ કરી રહ્યો છે. ફિલ્મ લોનાવાલાથી પુણે તરફ જતા રસ્તામાં આવેલ લોહગઢ ખાતે શૂટ કરવામાં આવી છે. અભિજીત કહે છે કે, ‘આ સ્ટોરીની વિષયવસ્તુ મહારાષ્ટ્રની કમનસીબી છે અને હું ઇચ્છું છું કે તમામ મરાઠી એક્ટર્સ આ ફિલ્મના માધ્યમથી ખેડૂતોના અવાજને બુલંદ કરવા માટે આગળ આવે. તેથી મે ફિલ્મને મરાઠીમાં બનાવી છે.

અભિજીતે સાવરકુડલા ખાતે ધો.12 સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ રાજકોટમાં એન્જિનીયરિંગ અને MBAની ડિગ્રી લીધા બાદ પૂણે ખાતે આવેલ FTIIમાં ટેલિવિઝન ડિરેક્શનમાં ડિપ્લોમા માટે ગયો હતો. તેની ડિપ્લોમા ફિલ્મ કલ્પવૃક્ષને બેસ્ટ સીનેમેટોગ્રાફી માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. તો TVF પ્લે પર આવતી સીરિઝ વાઇરલ ફીવરમાં તેણે આસિ. ડિરેક્ટર અને રાઇટર તરીકે કામ કર્યું છે. તેના પિતા GSRTCના નિવૃત્ત કર્મચારી છે જ્યારે માતા સાવરકુંડલા નજીક ગામમાં શીક્ષિકા છે.

(5:08 pm IST)