Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

સણોસરામાં ઘરમાં ઘુસી મહિલા સરપંચ નફીસાબેન સેરસીયા પર કાસમ કોંઢીયા સહિત ૯નો હુમલો

કાસમે સરકારી ખરાબામાં મકાન બનાવ્યું હોઇ તેની નોટીસ મળતાં ખાર રાખ્યોઃ થોડા દિવસ પહેલા સરપંચના દિયર પર હુમલો થયો'તો

રાજકોટ તા.૧૫: કુવાડવાના સણોસરા ગામના મહિલા સરપંચ નફીસાબેન યુનુસભાઇ સેરસીયા (ઉ.૩૪)ના ઘરમાં ઘુસી ગામના કાસમ કોંઢીયા સહિત ૯ જણાએ ધમાલ મચાવી હુમલો કરી ગાળો દઇ ઢીકા-પાટુનો માર મારી તેમજ ધક્કો દઇ પછાડી દેતાં કુવાડવા પોલીસે રાયોટનો ગુનો નોંધ્યો છે. કાસમે સરકારી ખરાબામાં ઘર બનાવી લીધું હોઇ તે બાબતે ગ્રામ પંચાયત તરફથી નોટીસ મળતાં ખાર રાખી આ ડખ્ખો કર્યાનું બહાર આવ્યું છે.

બનાવની જાણ થતાં કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. સણોસરાના સરપંચ નફીસાબેન સેરસીયાની ફરિયાદ પરથી ગામના જ કાસમ કોંઢીયા, મહેબુબ કોંઢીયા, અકિલ કોંઢીયા, રશીદાબેન કોંઢીયા, રશીદાબેન અને પાંચ્ અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૩૫૪, ૪૪૭, જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

નફીસાબેને પોલીસને જણાવ્યું હતું કે કાસમ કોંઢીયાએ સરકારી ખરાબામાં અનઅધિકૃત રીતે મકાન બનાવ્યું છે. આ બાબતે તેને ગ્રામ પંચાયત તરફથી નોટીસ મળી હોઇ તે બાબતનો ખાર રાખી મંડળી રચી ધોકા સાથે ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને નફીસાબેનને ગાળો ભાંડી ઢીકા-પાટુનો માર મારી તેમજ ઓરડીમાંથી ખેંચી ધક્કો દઇ પછાડી દઇ ધમાલ મચાવી હતી.

ઉલ્લેખનિય છે કે ગત તા. ૧૦ના રોજ નફીસાબેનના દિયર યાસીન અલીભાઇ સેરસીયા (ઉ.૩૫)ને પણ અકિલ મહેબૂબભાઇ પીંજારાએ ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ દાખલ થઇ હતી. તે વખતે યાસીન ગ્રામ પંચાયતનું કામ ચાલતું હોઇ કાકાના દિકરા એઝાઝ અહેમદભાઇ સેરસયા સહિતના સાથે ઉભો હતો ત્યારે અકિલ આવ્યો હતો અને 'તારા કાકાનો દિકરો નિજામુદ્દિન કેમ મારી બહેનને હેરાન કરે છે? તેને સમજાવી દેજે'...તેમ કહી ગાળ દેતાં ગાળો દેવાની ના પાડતાં મારી નાંખવાની ધમકી આપી હતી. તેમ ફરિયાદમાં જણાવાયું હતું. ત્યાં હવે બીજો ગુનો નોંધાયો છે તેમાં પણ અકિલનું આરોપીમાં નામ છે. પીઆઇ એમ.આર. પરમાર, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી સહિતના સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

(12:12 pm IST)