Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

આતંકવાદ સાથે દેશને સૌથી મોટો ભય નાર્કોટેરરીઝમનોઃ મનીન્દરજીતસિંઘ બીટ્ટા

કેન્દ્ર સરકાર દરેક ક્ષેત્રે કરી રહી છે અસરકારક કામગીરીઃ નરેન્દ્રભાઇ રાષ્ટ્રને સમર્પિત વડાપ્રધાનઃ કોંગ્રેસના પૂર્વ નેતા અને ભાજપને હાલમાં સમર્થન આપનારા પંજાબના લડાયક નેતા 'ઝિંદા શહિદ'ની અકિલા સાથે કચ્છમાં વાતચીત

ભુજ તા. ૧પ :.. લડાયક પંજાબી નેતા અને જેમને સરકારે 'ઝિંદા શહીદ' નું બિરૂદ આપ્યું છે એવા મનીન્દરજિતસિંઘ બીટ્ટા તાજેતરમાં  બે દિવસના કચ્છ પ્રવાસે આવ્યા હતાં. ભુજમાં એક સન્માન કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા પૂર્વ કોંગ્રેસી નેતા અને હાલે ભાજપને સમર્થન કરનારા મનીન્દરજિતસિંઘ બીટ્ટાએ 'અકિલા'નાં પ્રતિનિધિ વિનોદ ગાલા સાથે ખાસ વાતચીત કરી હતી.

આતંકવાદીઓનાં હીટલીસ્ટમાં રહેલા અને ૧૪-૧૪ વખત હુમલાનો ભોગ બની ચુકેલા મનીન્દરજિતસિંઘ બીટ્ટાએ વર્તમાન સમયે દેશનાં વિવિધ રાજયોમાં ચાલતા નકસલવાદ, આતંકવાદ અંગે ચિંતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે વર્તમાન મોદી સરકાર નકસલવાદીઓ અને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે.

જો કે, આજે દેશને શું ભય છે અને આપણાં યુવાનો માટે શું સંદેશ છે ? એ પ્રશ્નનો ઉતર આપતાં આ 'ઝીંદા શહીદ' ની બિરૂદ પામેલા આ શીખ લડાયક નેતા એ જણાવ્યું હતું કે સૌથી મોટો ભય આપણાં દેશ સામે 'નાર્કો ટેરરીઝમ' નો છે. પંજાબમાં શરૂ થયેલી સમસ્યા ધીરે ધીરે આખા દેશની યુવા પેઢી સુધી ફેલાઇ રહી છે.

યુવાનો વ્યસનોથી દૂર થાય અને રાષ્ટ્ર પ્રથમ એ ભાવના સાથે કામ કરે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કાર્યશૈલીનાં મોં ફાટ વખાણ કરતાં મનીન્દરજિતસિંઘ બીટ્ટાએ તેમને રાષ્ટ્ર માટે સમર્પિત વડાપ્રધાન જણાવ્યા હતાં. ગુજરાતે તેમની કામગીરી નિહાળી છે હવે પૂર્વથી પશ્ચિમ અને ઉતરથી દક્ષિણ એમ સમગ્ર રાષ્ટ્ર તેમની કામગીરીથી પ્રભાવિત છે.

એટલે જ એક પછી એક રાજયોમાં ભાજપાના વિજય થતો જાય છે. ગુજરાતીઓનાં સંઘર્ષ, ખમીર અને મહેનતની પ્રશંસા કરતાં શ્રી બીટ્ટાએ ગુજરાત અને ગુજરાતીઓને બિરદાવ્યા હતાં. સમાજ સેવાનો ગુણ ગુજરાત પાસેથી સૌએ શીખવા જેવો છે.

બે દિવસનાં પ્રવાસ દરમિયાન મનીન્દરજિતસિંઘ બીટ્ટા કચ્છ સરહદે જવાનો ને મળ્યા હતા ઉપરાંત પંડીત શ્યામજી કૃષ્ણવર્મા 'ક્રાંતિ તીર્થ' ની મુલાકાત લીધી હતી.

(11:39 am IST)