Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

વલ્લભીપુર નગરપાલીકાના ૨૧ નગરસેવકો વિરૂધ્ધ આર.ટી.આઇ. કાર્યકરની કોર્ટમાં ફોજદારી ફરિયાદ

ભ્રષ્ટાચાર સામે લડી રહેલા ફરીયાદીને ખુનની ધમકી આપી

વલ્લભીપુર તા.૧૫: વલ્લભીપુર નગરપાલિકાના કુલ ૨૧ નગરસેવકો વિરૂદ્ધ વલ્લભીપુર કોર્ટમાં ફોજદારી ફરિયાદ થતા ચકચાર જાગી છે.

વલ્લભીપુરના જાગ્રત નાગરિક,આર.ટી.આઇ. કાર્યકર અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહેલા એવા વલભીપુરના નાગરિક ફરિયાદી રાજેશભાઇ બાબુભાઇ વઘાસિયા દ્વારા વલભીપુરના નગરપાલિકા દ્વારા થતા વિકાસના કામોની માહિતી માંગતી અરજીઓ કરવામાં આવેલ તેમાં વલભીપુર નગરપાલિકાના નગરસેવકોનો ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ બહાર આવતા તે ભ્રષ્ટાચારની વિગતો દબાવી દેવા માટે ફરિયાદી રાજુભાઇ અને તેના સાહેદો ધરામશીભાઇ નાડોલીયા, અશોકભાઇ વેગડ, ભાર્ગવભાઇ મહેતા વિરૂદ્ધ માનહાનિયુકત આક્ષેપો કરી ખોટા ગુનાઓનું આળ મૂકી પોતાની સત્તાનો દુરૂપયોગ કરી વલભીપુર નગરપાલિકાના લેટરપેડ ઉપર કલેકટરશ્રી, ભાવનગરનાઓને લેખિત આવેદનપત્ર આપેલું, જેના અનુસંધાને ફરિયાદી અને અન્ય સાહેદો કલેકટરશ્રીની તપાસ કાર્યવાહીઓમાં નિર્દોષ ઠરેલા.

ત્યારબાદ પણ ફરિયાદી રાજુભાઇ ઉપર હુમલો કરી તેને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જે તમામ બાબતોને કારણે ફરિયાદી રાજુભાઇએ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘુઘભાઇ ડાભી, ઉપપ્રમુખ નીતિનભાઇ ગુજરાતી, કારોબારી ચેરમેન માયાબા ગોહિલ, મંજુલાબેન સોલંકી, હાલના પ્રમુખ મહેશભાઇ વાસાણી, નાગજીભાઇ ગાધેસરા, ભીખાભાઇ સોલંકી, જોરસંગભાઇ ચાવડા, દેવકુવરબેન ચૌહાણ, પ્રતાપસિંહ પરમાર, મવુંબેન ચાવડા, પરવીનબાપુ રાજેન્દ્રસિંહ સોલંકી, દિલીપભાઇ મકવાણા, નાગજીભાઇ ભલાણી, જશીબેન રાઠોડ, વિરોધ પક્ષના નેતા વિનુભાઇ વાઘસિયા, આરીફખાન પઠાણ, પુનીબેન ચાડ, મુકેશભાઇ મકવાણા, લાભુભાઇ સોલંકી વિગેરે સહિત કુલ ૨૧ તત્કાલીન અને ભૂતપૂર્વ નગરસેવકો વિરૂદ્ધ આઇ.પી.સી.કલમ ૨૧૧,૪૯૯,૫૦૦,૫૦૪,૫૦૬(૨), ૧૨૦ (બી), ૩૪ તથા ૧૧૪ મુજબ વલભીપુર કોર્ટમાં તેમના વકીલશ્રી હિરેન બધેકા મારફત ફરિયાદ દાખલ કરાવતા મેજિસ્ટ્રેટ દ્વારા વલભીપુરના પી.એસ.આઇ. દ્વારા પોલીસ તપાસનો હુકમ કરવામાં આવેલ છે.

(11:23 am IST)