Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

મહાશિવરાત્રી મેળા માટે ૨૫૦થી વધુ એસટી બસો દોડાવાશે

સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો અને મોટા શહેરોમાં જવા ઉપલબ્ધ થશે : જૂનાગઢ એસટી ડેપોથી ભવનાથ મેળામાં જવા રાઉન્ડ ધ કલોક ૪૦ મીની બસની સુવિધા

જૂનાગઢ તા. ૧૫ : ભજન-ભોજન અને ભકિતના સંગમસ્થાન સમા ભવનાથનાં મહાશીવરાત્રીના મેળામાં ૧૦ લાખથી વધુ લોકો આવવાની સંભાવના છે. મેળામાં આવનાર શ્રદ્ઘાળુઓના પરિવહન માટે એસ. ટી.નિગમ દ્વારા સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો સતાધાર, પરબધામ, સોમનાથ ઉપરાંત મોટા શહેરો અમદાવાદ વડોદરા, ભાવનગર, ભુજ, અમરેલી, સાવરકુંડલા સહિતના સ્થળોને આવરી લઈ વધારાની ૨૫૦ બસ દોડાવાશે તેમ જૂનાગઢ એસ. ટી. ના વિભાગીય નિયામક ગૌરાંગ શાહે જણાવ્યું હતું.

ઉપરાંત જૂનાગઢ શહેર તથા બહારથી આવતા લોકોને ભવનાથ મેળામાં જવા તા.૧૭ થી રાઉન્ડ ધ કલોક ૪૦ મીની બસ કાર્યરત કરવામાં આવશે. એસ. ટી. ડેપો જૂનાગઢ ખાતે ખાસ હંગામી એકસ્ટ્રા બુથનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જરૂર જણાએ ટ્રાફિકને પહોંચી વળવા વધારાની ૧૦૦ બસ મુસાફર જનતાની સેવામાં મૂકવામાં આવશે.

ઉલેખનીય છે કે,મહાશીવરાત્રી લોક મેળામાં દરવર્ષે ૧૦ લાખથી વધુ લોકો ભજન-ભોજન અને ભકિતનું ભાથું બાંધવા મેળામાં આવે છે. આ ૧૦ લાખ લોકો પૈકી ૫ થી ૬ લાખ લોકોના પરિવહનની આવન-જાવનની એસ. ટી.નિગમ દ્વારા વ્યવસ્થા કરવામાં આવે છે. મેળામાં મુસાફરોની સુવિધા માટે એસ. ટી. નિગમના ડ્રાઈવર,કંડકટર સહિત ૮૦૦ જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે. તેમજ મેળા માટે મુસાફરોને ઓન લાઇન બુકિંગની ૨૪ કલાક સુવિધા બે કાઉન્ટર પર આપવામાં આવે છે, તેમ શ્રી શાહે વધુમાં જણાવ્યું હતું.

(12:51 pm IST)