Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

ભુજ સહજાનંદ કોલેજ પ્રકરણમાં રાષ્ટ્રીય - રાજય મહિલા આયોગની ટીમ દ્વારા તપાસ

૪ સામે મહિલાઓના ગૌરવભંગની પોલીસ ફરિયાદઃ બળજબરીપૂર્વક કપડા ઉતારીને ૫૦ વિદ્યાર્થીનીઓની રજસ્વલા અંગે તપાસ કરાઇ હોવાનું યુનિવર્સિટીની તપાસમાં ખુલ્યુઃ ૩ દોષિત સસ્પેન્ડઃ મહિલા આયોગની ટીમની કલેકટર - પોલીસ સાથે બેઠક

ભુજ,તા.૧૫: ભુજની સહજાનંદ મહિલા કોલેજમાં વિદ્યાર્થીનીઓના માસિક ધર્મ અંગે કરાયેલી તપાસના દેશભરના મીડીયામાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે અને આ બનાવે રાષ્ટ્રિયસ્તરે ગંભીર વિવાદઙ્ગ છેડયો છે. શરૂઆતમાં આ પ્રકરણને દબાવવાના ટ્રસ્ટીઓના પ્રયાસો પછી હવે પોલીસ, વહીવટીતંત્ર અને મહિલા આયોગ પણ તપાસમાં જોડાયું છે.

રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી, ડીએસપી સૌરભ તોલંબિયાએ આ ઘટનાની ગંભીરતા ગણીને ભુજ એ ડિવિઝન પોલીસ ટીમને કોલેજમાં તપાસ માટે મૂકી હતી. જેને પગલે એક યુવતીએ કોલેજની ચાર મહિલા કર્મીઓ કોલેજના આચાર્યા રીટાબેન રાણીગા, નયનાબેન, અનિતાબેન, રમીલાબેન સામે પોલીસ ફરિયાદ કરી છે. જેમાં પોતાના તેમ જ અન્ય યુવતીઓના કપડાં બળજબરીપૂર્વક ઉતારીને તેઓ માસિક ધર્મમાં છે કે નહીં તે અંગે તપાસ કરાઈ હોવાનું જણાવાયું છે.

જોકે, પોલીસ ફરિયાદમાં સંસ્થા સામે ચોંકાવનારો આક્ષેપ કરતા જણાવાયું છે કે, જો તેઓ ફરિયાદ કરે તો સંસ્થા માંથી કાઢવાની ધમકી અપાઈ હતી તેમ જ તેમની પાસે બળજબરીપૂર્વક લખાણમાં સહી લઈ લેવાઈ હતી. ભુજ એ ડિવિઝનના મહિલા પીએસઆઇ લગધીરકા દ્વારા આ બનાવની તપાસ શરૂ કરાઇ છે. ચર્ચા જગાવનાર આ મામલે હવે કચ્છ યુનિવર્સિટીની ટીમ દ્વારા કરાયેલી તપાસનો અહેવાલ કચ્છના મહિલા કલેકટરઙ્ગ દ્વારા મંગવાયો છે.

કલેકટર પ્રવીણા ડી.કે. એ કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયા દ્વારા મૌખિક અને લેખિત રિપોર્ટ માંગ્યા હોવાના અહેવાલને કુલપતિએ સમર્થન આપ્યું છે. જોકે, યુનિવર્સિટીની તપાસ ટીમનો અહેવાલ ચોંકાવનારો છે, વિડીયોગ્રાફીમાં ૫૦ વિદ્યાર્થીનીઓએ તેમની રજસ્વલા અંગેની તપાસ કરાઈ હોવાની વાતને સમર્થન આપીને આચાર્યા રીટાબેન રાણીગા, નયનાબેન અને દક્ષાબેનને કસૂરવાર દર્શાવ્યા છે.

મહિલાઓના ગૌરવભંગની આ ઘટનાના રાજય અને રાષ્ટ્રીય સ્તરે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને રાજય મહિલા આયોગની ટીમે ભુજ આવીને તપાસ શરૂ કરી દીધી છે તો રાષ્ટ્રીય મહિલા આયોગના સદસ્ય ડો. રાજુલાબેન દેસાઈ પણ કાલે રવિવાર અને સોમવારે ભુજ આવવાના છે, તેઓ તમામ વિદ્યાર્થીનીઓને રૂબરૂ મળશે તેમ જ આખીયે હકીકત જાણી કલેકટર અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. હવે મોડે મોડે સહજાનંદ કોલેજના ટ્રસ્ટીઓએ આ દ્યટનામાં ત્રણ મહિલા કર્મીઓને દોષિત ગણીને રીટાબેન રાણીગા, અનિતાબેન અને રમીલાબેનને સસ્પેન્ડ કર્યા છે.

(11:43 am IST)