Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ગોંડલના કારખાનેદાર શૈલેષ પીપળવાએ ફાંસો ખાઇ જીવ આપી દિધોઃ આપઘાત માટે મજબુર કરનાર ૪ સામે ગુન્હો

ધરમ કરતા ધાડ પડીઃ પોતાના નામે લોન લઇ લીધા બાદ જુના ભાડુતે હપ્તો ભરી ધમકી આપતા : આપઘાત માટે મજબુર કરનાર કરણ રાઠોડ, ગુંજન રાઠોડ તથા તેની માતા મનીષાબેન અને પદુભા જાડેજા પોલીસના સંકજામાં: કોવીડ ટેસ્ટના રીપોર્ટ બાદ ધરપકડ કરાશે

રાજકોટ તા. ૧પ :.. ગોંડલના પટેલ કારખાનેદારે પોતાના નામે લોન લઇ લીધા બાદ જુના ભાડુતે હપ્તા ન ભરી ધમકી આપતા ફાંસો ખાઇ જીવ આપી દીધો હતો. પોલીસે સ્યુસાઇડ નોટના આધારે આપઘાત માટે મજબુર કરનાર મહિલા સહિત ૪ સામે ગુન્હો દાખલ કરી સકંજામાં લઇ પુછતાછ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ગોંડલ ગુંદાળા રોડ ઉપર અનીલ ચેમ્બરમાં કારખાનેદાર શૈલેષ વલ્લભભાઇ પીપળવા (પટેલ) ગત તા. ૧૩ નાં રોજ રાત્રીન ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતક કારખનેદાર શૈલેષ પટેલે આપઘાત પૂર્વે લખેલ સ્યુસાઇડ નોટ મળી આવતા પોલીસે તે કબ્જે કરી હતી. આ સ્યુસાઇડ નોટમાં મૃતક શૈલેષે તેના જુના ભાડુઆત બે ભાઇઓ અને તેની માતા તથા ગરાસીયા શખ્સ ધમકી આપતા હોય કંટાળી જઇ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતંુ.

આ બનાવ અંગે મૃતક શૈલેષના પિતા વલ્લભભાઇ જૈસાભાઇ પીપળવા રહે. મારૃતીનગર ઉમવાડા ફાટક પાસે ગોંડલએ પોતાના પુત્ર શૈલેષને આપઘાત માટે મજબુર કરનાર કરણ કિશોરભાઇ રાઠોડ, ગુંજન કિશોરભાઇ રાઠોડ, મનીષાબેન કિશોરભાઇ રાઠોડ તથા પદુભા જાડેજા રહે. નાગડકા રોડ ગોંડલ સામે ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી કરણ તથા ગુંજન તેની માતા સાથે અગાઉ ફરીયાદીના મકાનમાં ભાડેથી રહેતા હોય જેથી ફરીયાદીના પુત્ર  શૈલેષના સંપર્કમાં હોય જેના કારણે ઉકત ત્રણેય આરોપીઓએ ફરીયાદીના પુત્ર શૈલેષના નામે આઇઆઇએફએલ ફાયનાન્સ તથા એચ. ડી. બી. ફાયનાન્સ કંપનીમાંથી છ લાખ લોન લીધી હતી આ લોન હપ્તા ઉકત ત્રણેય આરોપીઓ ભરતા ન હતા જેથી આઇએસએફએલ ફાયનાન્સની લોનના રૃપિયા ફરીયાદીના મોટા પુત્ર કૌશીકે ભરી દીધેલ. અને બાકીની લોનના રૃપિયાના હપ્તા ફરીયાદીનો મૃતક પુત્ર શૈલેષ ભરતો હોય જેના કારણે તે સતત માનસીક તણાવમાં રહેતો હતો. તેમજ ઉકત ત્રણેય આરોપીઓ તેની બાજુમાં રહેતા આરોપી પદુભા સાથે ફરીયાદીના ઘરે આવી બેંકના હપ્તા ભરવા બાબતે ફરીયાદીના પુત્ર શૈલેષને અવાર-નવાર ધમકી આપતા હોય તેમજ આરોપી મનીષાબેને મૃતક શૈલેષને ખોટા બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી આપઘાત માટે મજબુર કર્યા હતો.

આ ફરીયાદ અન્વયે ગોંડલ સીટી પોલીસે ઉકત ચારેય સામે આઇપીસી કલમ ૩૦૬, પ૦૬ તથા ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. ગોંડલના પી. આઇ. એસ. એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. બી. એલ. ઝાલા તથા સ્ટાફે આપઘાત માટે મજબુર કરનાર ઉકત ચારેયને સંકજામાં લઇ લીધા હતાં. ચારેયનો કોવીડ ટેસ્ટ કરાવી ધરપકડની કાર્યવાહી કરાશે.

મૃતક કારખાનેદાર શૈલેષભાઇ પટેલને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતા પટેલ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(1:40 pm IST)