Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કચ્છ જિલ્લા ભાજપનો મિડીયા વર્કશોપ યોજાયો

ભૂજ તા.૧પ : આગામી સ્થાનિક સ્વરાજય ચુંટણીને અનુલક્ષીને કેન્દ્ર અને રાજય સરકારની સિધ્ધિઓ અને ઉપલબ્ધીઓની વાત અસરકારક રીતે મિડીયાના માધ્યમથી પ્રજા સમક્ષ મુકવાના ઇરાદે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા સ્તરનો મિડીયા વર્કશોપ યોજાયો હતો જેમા જિલ્લાભરના તમામ મંડળોના પ્રબુધ્ધ અને વરીષ્ઠ એવા અપેક્ષીત શ્રેણીના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ચુંટણીલક્ષી રણનિતી બાબતે મનોમંથન કરાયુ હતુ. પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા અને કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલની ઉપસ્થિતિ વાળી આ બેઠકમાં ઝોન પ્રવકતા પંકજભાઇ મહેતા, ઉતર ઝોન કન્વીનર ડો.હેમંતભાઇ ભટ્ટ તેમજ કર્ણાવતી મહાનગર મિડીયા કન્વીનર ડો.અમિતભાઇ જયોતીકરે સૌને છણાવટ પુર્વક માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.

બેઠકને સંબોધતા પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે, સાંપ્રત સમયમાં મિડીયાનું મહત્વ જરા પણ ઓછુ આંકી શકાય તેમ નથી. લોકશાહીના ચોથા સ્તંભ સમાન ગણાતુ મિડીયાએ સંગઠન અને સરકારની કામગીરીનું સાચુ દર્પણ છે. ત્યારે છેવાડાના માનવીના હૈયામાં અદકેરૂસ્થાન પ્રાપ્ત કરવા મિડીયાની ઉપયોગીતા અનિવાર્ય બની રહે છે આમ તમામ મંડળોમાં મિડીયાની જવાબદારી સંભાળતા નિષ્ણાંત લોકોએ મિડીયા સાથે વધુને વધુ ધરોબો કેળવીને સરકારની અનેકાનેક યોજનાઓની ફળશ્રુતી અને સંગઠનની સુક્ષ્માતિસુક્ષ્મ કામગીરીનો સચોટ અહેવાલ નિયમિતપણે મિડીયા સુધી પહોચાડતો રહેવો જોઇએ.

કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, સચોટ મિડીયા મેનેજમેન્ટએ કોઇપણ ચુંટણી જંગ જીતવા માટેના ચાવીરૂપ ઘટકો પૈકીનું એક છે. મિડીયાને શાસક અને પ્રજા વચ્ચેની જોડતી કણી ગણાવી વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, પક્ષના કાર્યકરોએ આવનારા દિવસોમાં પ્રચુર આત્મવિશ્વાસથી મિડીયા સમક્ષ પક્ષની વાતને રજૂ કરવી જોઇએ જેથી વિપક્ષોના ભ્રામક પ્રચારનો છેદ ઉડી શકે અને પ્રિન્ટ મિડીયા તેમજ ઇલેકટ્રોનીક મિડીયા સ્વયં તેમની રીતે જ દૂધનુ દૂધ અને પાણીનું પાણી કરી શકે.

ઝોન પ્રવકતા પંકજભાઇ મહેતાએ મિડીયાનુ મહત્વએ વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, મિડીયાએ સંગઠનનું અભિન્ન અંગ છે. ચુંટણી સમયે ડીબેટ અને ચોરા જેવા કાર્યક્રમોમાં પુર્ણપણે સજજ થઇને પક્ષની રજૂઆત ખૂબ માહિતીસભર અને પ્રભાવી રીતે કરવી જોઇએ. કોઇપણ ચર્ચામાં ઉતરતા પહેલા પુરતી આંકડાકીય માહિતી અને તમામ ક્ષેત્રોમાં પક્ષ દ્વારા થયેલ વિકાસકાર્યો અને તેના દૂરોગામી હકારાત્મક પરિણામો વિશે પુર્ણપણે જાગૃત રહેવુ અત્યંત અનિવાર્ય છે. વિચાર, વાતાવરણ અને વ્યવસ્થાએ કોઇપણ ચુંટણી જંગમાં વિજયને વરવા માટેના આવશ્યક પાસાઓ છે એવુ જણાવીને તેમણે ઉમેર્યુ હતુ કે, પ્રજા પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણભાવથી થયેલી પક્ષની કામગીરી મિડીયાના માધ્યમથી વખતો વખત લોકો સુધી પહોચવી જોઇએ. સાથોસાથ તેમણે મિડીયાક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે સંપર્ક અને સંબંધ મજબૂત કરવા પણ ટકોર કરી હતી.

ઉતરઝોન કન્વીનર ડો.હેમંતભાઇ ભટ્ટે મિડીયા વ્યવસ્થાપન અને કામગીરી એ વિષય પર માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, મિડીયાની જવાબદારી સંભાળતા તમામ લોકોએ પોતાની જાતને અદ્યતન બનાવી રાખવી ખૂબ જ જરૂરી બાબત છે. પક્ષની વાતને ખૂબ ઓછા શબ્દોમાં મકકમ અને અસરકારક રીતે રજૂ કરવાથી મિડીયા પ્લેટફોર્મ પર સુંદર પરિણામો મેળવી શકાય છે તેમજ પ્રતિસ્પર્ધીઓ પર આગવો પ્રભાવ પણ પડે છે. મિડીયાક્ષેત્રની કામગીરીમાં ચાહના કે નિપુણતા ધરાવતા મંડલ સ્તરના કાર્યકરોની પણ બીજી હરોળ ઉભી કરીને હવે છેવાડાના મંડલમાં થયેલા નાનામાં નાના કાર્યક્રમનું પણ પ્રદેશસ્તરે પુરતું રીપોર્ટીંગ કરી શકાશે અને જયા જરૂર જણાય ત્યાં તેનુ મિડીયા સ્તરે યોગ્ય નિરૂપણ પણ કરી શકાશે. એક અખબારી યાદી તૈયાર કરતી વખતે કઇ રીતે સર્વાંગી બાબતોનો સમાવેશ કરી શકાય એ વિશે જણાવીને વધુમાં વધુ ઉમેર્યુ હતુ કે, મિડીયા સાથે સંકળાયેલા પક્ષના સર્વે નિષ્ણાંત કાર્યકર્તાઓએ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પ્રમુખ અખબારો, વેબપોર્ટલો, ઇલેકટ્રોનીક મિડીયા તેમજ સોશિયલ મિડીયા પૈકીના ફેસબુક, ટવીટર, યુટયુબ જેવા માધ્યમો સાથે સતતપણે સંકળાયેલા રહેવું ખૂબ જ જરૂરી બની રહેશે.

કર્ણાવતી મહાનગર મિડીયા ઇન્ચાર્જ ડો.અમીત જયોતીકરે જણાવ્યું હતુ કે, મિડીયા વ્યવસ્થા સંભાળતા લોકોએ પક્ષ માટે ખરા અર્થમાં પડદા પાછળના ખેલાડીઓ છે અને પક્ષની સભ્યતા, સંસ્કૃતિ, મર્યાદા અને શાલીનતાને પ્રજા સુધી મિડીયાના માધ્યમથી પહોચાડવાનું કામ પણ પક્ષમાં મિડીયાની જવાબદારી સંભાળતા કાર્યકરોનું છે. કોઇપણ ડીબેટમાં ઉતરતા પહેલા પક્ષની તમામ હકારાત્મક બાબતોનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ જ ઝંપલાવવું જોઇએ અને આવા સમયે વિરોધી પરિબળો દ્વારા સામે આવતી નકારાત્મક બાબતોને સ્વસ્થ ચિતે સાંભળીને આવેશ કે ક્રોધમાં આવ્યા વિના આપણી સચોટ વાતને સ્પષ્ટ અને મર્યાદિત શબ્દોમાં ધારદાર રીતે રજૂ કરવી.

સ્વાગત પ્રવચન કચ્છ જિલ્લા ભાજપ મિડીયા ઇન્ચાર્જ ઘનશ્યામભાઇ ઠકકરે કર્યુ હતુ જયારે એકલધામ જાગીરના મહંત દેવનાથબાપુએ આર્શિવચન પાઠવ્યા હતા અને આભારવિધિ અનવરભાઇ નોડેએ કરી હતી.

આ વર્કશોપમાં ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા યુવા મોરચાના પ્રભારી પવનભાઇ ચૌધરી, પ્રવિણભાઇ માલી, કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલભાઇ ગોર તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો, મંડળના હોદ્દેદારો, વિવિધ સેલ - મોરચાના આગેવાનો સહિતના જિલ્લાભરના તમામ મંડળોમાંથી અપેક્ષીત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે મિડીયા વિભાગના ભૌમિકભાઇ વચ્છરાજાની, ભુજ શહેર ભાજપ ઉપપ્રમુખ જયંતભાઇ ઠકકર અને જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કમલભાઇ ગઢવી વગેરેએ જહેમત ઉઠાવી હોવાનુ કચ્છ જિલ્લા ભાજપ મિડીયા સહ ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયુ હતુ.

(સાત્વિકદાન ગઢવી)મિડીયા સહ ઇન્ચાર્જકચ્છ જિલ્લા ભાજપ

(12:22 pm IST)