Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કોરોના વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં મોજથી મકરસંક્રાંતિની ઉજવણી

સવારથી મોડી રાત્રી સુધી પતંગ અને ગુબ્બારા ઉડાડવાની મજા માણીઃ ગૌશાળાને મોટા પ્રમાણમાં દાન અર્પણઃ ગરીબ લોકોને પણ જીવનજરૂરી ચીજવસ્તુઓનુ વિતરણ

રાજકોટ, તા. ૧૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી ભવ્યતાથી કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે મોજથી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.

વહેલી સવારથી મોડી રાત્રી સુધી પતંગ અને ગુબ્બારા ઉડાડવાની સૌ કોઈએ મજા માણી હતી.

મકરસંક્રાંતિ પર્વમાં દાન-પૂણ્યનુ પણ વિશેષ મહત્વ હોવાથી ગૌશાળાને દાન તથા ગૌમાતાને ઘાસચારો અર્પણ કરાયો હતો તથા ગરીબ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

વડિયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા : સમગ્ર દેશમાં સૂર્યનારાયણના મકર રાશીમા પ્રવેશથી લોકો મકર સંક્રાતિ સ્વરૂપે ઉજવે છે. ધાર્મિક માન્યતા મુજબ આજનો દિવસ દાનપુણ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે લોકો પતંગ ચગાવી આનંદ માણે છે. કોરોના કાળમાં તમામ તહેવારો ફિક્કા પડ્યા હતા. પરંતુ કોરોના સંક્રમણ ઘટતા લોકોએ પતંગ બજારમા પહેલી વાર ઘરાકીથી ઉભરાતું જોવા મળ્યું. તો લોકો એ ઊંધિયું લેવા પણ પડાપડી કરી સાથે ચીકીના વેપારીને ત્યા પણ મંદી દૂર થતી લાગી. આ દિવસે સમગ્ર વાડીયામાં ગૌશાળાના દાન માટેના સ્ટોલ ખોલવામાં આવે છે. તેમાં પણ લોકો એ આજના દિવસે ગૌસેવા રૂપે દાન આપી પુણ્યનુ ભાથું બાંધતા જોવા મળ્યા. કોરોના કાળ પછી પ્રથમ એવો તહેવાર રોનક સાથે જોવા મળ્યો. લોકો એ માસ્ક સાથે કોરોના પ્રત્યે જાગૃતતા દાખવી તહેવાર ઉજવવાનુ શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યુ છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : મકરસંક્રાંતિ પર્વ નિમિતે પ્રસ્થાન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'હાથ સે હાથ મિલાઓ' પ્રોજેકટનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત સંસ્થાનાં સભ્યો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી લોકો પાસેથી કપડાં, રમકડાં, સૂકો નાસ્તો, મીઠાઈઓ તથા જીવન જરૂરી ચીજવસ્તુઓ એકત્ર કરી જુનાગઢ તથા આસપાસનાં વિવિધ વિસ્તારોમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મેંદરડા નજીક આવેલી અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા 'શ્રીજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ'ની પણ મુલાકાત કરી સંસ્થાના સભ્યોએ બાળકો સાથે સમય વિતાવ્યો તેમજ ત્યાં આજના પર્વને અનુરૂપ દાનકર્મ કર્યુ. આ સેવાયજ્ઞમાં જુનાગઢ તથા અન્ય શહેરોમાંથી પણ લોકોએ યથાશકિત દાન આપીને આ આયોજનને સફળ બનાવવા મદદ કરી તે બદલ 'પ્રસ્થાન ગ્રુપ' સર્વેનો આભાર વ્યકત કરે છે. તેમ આનંદ અશ્વિનકુમાર ભટ્ટ (પ્રમુખ) પ્રસ્થાન ગ્રુપ - જૂનાગઢએ જણાવ્યું હતું.

જેતલસર

(કુલદિપ જોષી દ્વારા) જેતલસર : મકરસંક્રાંતિ એટલે એક દાન પુણ્ય કરવાનો દિવસ તરીકે ઓળખાય છે.તેમજ સંક્રાંતિના દિવસે લોકો ગૌમાતાને લીલો ઘાસચારો , બાળકોને તલની ચીકી, બિસ્કિટ વગેરે દાન કરી પોતાના પાપનો નાશ કરી પુણ્યવૃધ્ધિ માટે નો દિવસ એટલે મકરસંક્રાંતિ. જેતલસર પંથકના રૂપાવટી ગામે જૂની પરંપરા મુજબ હજુ પણ રૂપાવટી ગામના લોકો નાના બાળકોને તલની ચીકી, બિસ્કિટ અને પીપરની લ્હાણી કરી દાન કરે છે.

'નાના બાળકોની ઠંડી બકરા ચરી જાય' આ જુની કહેવત આપણાં વડીલો કહેતા આવ્યા છે.પરંતુ અત્યારની પેઢીને એ જૂની કહેવતો જાણે સમજાતી નથી. પણ બાળકો નાનપણમાં આવી રીતે તલ અને માંડવીની ચીકી જેવા શકિતવર્ધક વસ્તુઓ આરોગતા હોઈ છે. જેને લીધે તેમની રોગપ્રતિકારક શકિત જોરદાર હોવાથી બાળકોને ઠંડી લાગતી નથી.

મકરસક્રાંતિના દિવસે તલનું શાસ્ત્રોમાં પણ એક અનોખું મહત્વ આપવામાં આવ્યું છે. લોકો બાળકો અને ગૌમાતાને તલ અને ગોળના લાડું તેમજ તલની બનાવેલ તલ પાપડી દાન કરે છે.

તલની વસ્તુનું દાન કરવું એ શાસ્ત્રો મુજબ ખૂબ જ પુણ્યનું કામ છે. તેમજ તલ મનુષ્ય શરીરમાં સારૃં એવું આરોગ્ય પ્રદાન કરે છે. અને માનવ શરીર માં એક અનોખી શકિત ઉત્પન્ન કરે છે.

શાસ્ત્રોની દ્રષ્ટિએ મકરસંક્રાંતિના દિવસે તલનું ઉટવણુ, તેમજ તલના લાડુ આરોગવાથી ખુબ જ લાભ થાય છે. તેમજ તલના જળથી સ્નાન કરવાથી આખા વર્ષ દરમિયાન કરેલ પાપ કર્મોનો નાશ થાય છે.

(12:16 pm IST)