Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જૂનાગઢમાં બે દિકરીના લગ્નનાં નાણા પોસ્‍ટ એજન્‍ટ ચાંઉ કરી જતા માતાએ આપઘાત કર્યાનો ઘટસ્‍ફોટ

મૃતક મહિલાના પતિની પોલીસમાં ફરીયાદઃ પરિવારના ૬ સભ્‍યો પર આભ તૂટી પડયું

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૫ :. જૂનાગઢમાં બે દિકરીના લગ્નનાં નાણા પોસ્‍ટ એજન્‍ટ ચાંઉ કરી જતા માતાએ આપઘાત કર્યાનો ઘટસ્‍ફોટ મૃતક મહિલાના પતિએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ પરથી થતા ચકચાર મચી ગઈ છે.

પોસ્‍ટ ઓફિસનો ભરત પરમાર અને તેનો પુત્ર એજન્‍ટ નાના બચતકારોના નાણા ઓળવી જઈ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

આ પોસ્‍ટ એજન્‍ટ મારફત શહેરના આંબેડકર વિસ્‍તારમાં રહેતા અજાયબેન મકવાણા (ઉ.વ. ૪૦)એ પણ બચત પોલીસીમાં રૂા. ૫૦ હજારનું રોકાણ કરેલ.

જો કે ભરત પરમારે આ નાણાની છેતરપીંડી કર્યાની જાણ થતા અજાયમલબેને બે દિવસ અગાઉ પોતાના ઘેર ગળેફાંસો ખાઈને મોતને મીઠુ કરી લીધુ હતું.

મૃતક મહિલાના પતિ પ્રવીણભાઈ દેવશીભાઈ મકવાણાએ પોલીસ ફરીયાદ કરતા સી-ડિવીઝન પોલીસે પોસ્‍ટ એજન્‍ટ ભરત પરમાર અને તેના પુત્ર સામે વધુ એક ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પ્રવીણભાઈએ જણાવેલ કે તેમના પરિવારમાં સાત સભ્‍યો હતા. પોતે તથા પત્‍નિ અને ૧૫ તથા ૧૬ વર્ષની બે દિકરી, ૧ દિકરો તેમજ મા-બાપ છે.

મા-બાપની ઉંમર થઈ હોય તેઓ કમાઈ શકતા ન હતા, પરિણામે પરિવારના સાત સભ્‍યોની જવાબદારી પ્રવીણભાઈ પર હતી. તેઓ મજુરી કરી માંડ માંડ પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

જ્‍યારે બે દિકરીના ભવિષ્‍યમાં લગ્ન કરવાની ચિંતાને લઈ પત્‍ની અજાયબેને ઘરે બેસી સાડીના ફોલ છેડા કરી, તોરણ બનાવી ૨૦-૨૦ રૂા. બચાવીને રકમ પોસ્‍ટમાં જમા કરતી હતી.

આવી મરણ મૂડી જતી રહેતા ભવિષ્‍યમા દિકરીના લગ્ન કેમ કરવા ? તે બાબતની ચિંતાને લઈ આખરે મારી પત્‍નિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે ત્‍યારે હવે પોલીસ આ મામલે પોસ્‍ટ એજન્‍ટને ત્‍વરીત પકડી તેને કડક સજા કરે તેવી માંગ હોવાનું પ્રવીણભાઈ મકવાણાએ જણાવ્‍યુ હતું.

(10:29 am IST)