Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કચ્છના આડેસર પાસેથી અડધા કરોડનો વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું

દારૂબંધી વચ્ચેય બૂટલેગરો દ્વારા સરહદી જિલ્લામાં દારૂની રેલમછેલ, ટેન્કર ચાલક ઝડપાયો, મોકલનાર અને ડિલિવરી લેનારને ઝડપવાની પોલીસે શરૂ કરી કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૧૫: દારૂબંધી વચ્ચેય સરહદી કચ્છ જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનો ગેરકાયદે કારોબાર કાયદો અને વ્યવસ્થા માટે પડકાર બની રહ્યો છે. જોકે, પૂર્વ અને પશ્યિમ કચ્છમાં પોલીસ દરોડા પાડી કાર્યવાહી કરે છે, પણ અન્ય રાજયના સપ્લાયરો કાયદાના ડર વગર કાયદાની પકડથી દૂર રહી દારૂનો ગેરકાયદે કારોબાર ચલાવે રાખે છે.

આડેસર પોલીસે મકરસંક્રાંતિ ના દિવસે બામણસર ગામ પાસેથી પૂર્વ બાતમીને આધારે વોચ ગોઠવીને હરિયાણાથી ગેસ ટેન્કરમાં છુપાવીને લવાતો ૫૧ લાખની મોટી કિંમતનો ૧૩ હજાર બોટલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. આડેસર પીએસઆઈ વાય.કે. ગોહિલ અને સ્ટાફે આ કડક કાર્યવાહી સફળ પણે કરીને રાજસ્થાનના ટેન્કર ચાલકની ધરપકડ કરી અડધા કરોડનો આ દારૂની ડિલિવરી લેનારના મોબાઈલ નંબર મેળવ્યા છે.

પોલીસે રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૨૨૩૨ બોટલ અને મેકડોવેલ વ્હીસ્કીની ૧૦૭૨૮ બોટલ દારૂ કુલ કી. ૫૧ લાખ ૮૬ હજાર રૂ. અને ૩૦ લાખ નું ટેન્કર ન. એચ.આર. ૪૬ સી, ૩૬૩૫ મળીને કુલ ૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૩૮ વર્ષીય ટેન્કર ચાલક આદમખાન અકબરખાન દલ, ગામ સિહનીયા, તા. સેડવા, જિ. બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી છે.

માલ મોકલનાર બાબુજી ચૌધરી, બાડમેર, આનંદરામ, હિસાર હરિયાણા તેમ જ કચ્છમાં અડધા કરોડના આ દારૂની ડિલિવરી લેનાર બુટલેગર મોબાઈલ નંબર ૮૬૯૦૬૮૬૦૩૫ વિરુદ્ઘ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. રેન્જ આઇજી જે.આર. મોથલિયા, પૂર્વ કચ્છ એસ.પી. મયુર પાટીલ, ભચાઉ ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી આડેસર પીએસઆઈ વાય.કે. ગોહિલ અને સ્ટાફે પાર પાડી હતી.

(10:01 am IST)