Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જેન્તી ભાનુશાલીની હત્યા કેસમાં ઝડપાયેલા ૧૨ આરોપીઓ પછી ગુંચ ઉકેલવા મનજીબાપુની પૂછપરછ

એક વર્ષ પહેલાં થયેલ હત્યાનું રહસ્ય ઉકેલવા સીટના પોલીસ અધિકારીઓ ટીમ ઊંધે માથે, છબીલ પટેલ, મનીષા, ભાઉ, જેન્તી ડુમરાની ધરપકડ અને પૂછપરછ પછી હજીયે કડીઓ મેળવાઈ રહી છે

ભુજ,તા.૧૫: પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપના પૂર્વ ઉપ પ્રમુખ જેન્તી ભાનુશાલીની હત્યાને એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે સીટની પોલીસ ટીમ આ હત્યાના રહસ્યને ઉકેલવા મથી રહી છે. જોકે, એક વર્ષ દરમ્યાન પોલીસે ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં મોટા માથાઓ છબીલ પટેલ, જેન્તી ડુમરા ઉપરાંત મનીષા ભાનુશાલી અને સુરજીત ભાઉ મુખ્ય છે. જોકે, પોલીસે હવે આ કેસમાં મનજી બાપુ ઉર્ફે મનજી ખીંયશી ભાનુશાલીની પૂછપરછ શરૂ કરી છે. ભુજ કોઠારા વચ્ચે રાતા તળાવ મધ્યે ગૌ શાળા ધરાવતા મનજીબાપુ અબડાસાના રાજકીય વર્તુળમાં મહત્વ ધરાવતા સામાજિક આગેવાન છે. એક સમયે જેન્તી ભાનુશાલીને ટેકો આપનાર મનજીબાપુ પછી જેન્તીના રાજકીય પ્રતિસ્પર્ધી છબીલ પટેલના ટેકેદાર થઈ ગયા હતા. મનજીબાપુ અને મનીષા તેમ જ સુરજીત ભાઉ વચ્ચે પણ સંબધો સારા હતા. તો, જેન્તી ડુમરા અને મનજીબાપુ પણ સારા સંબંધો ધરાવતા હતા. હત્યા બાદ સીટની પૂછપરછ દરમ્યાન મનજીબાપુ નો ઉલ્લેખ આવતો રહ્યો હોઈ હવે સીટ દ્વારા હત્યાની કડીઓ સુલઝાવવા માટે મનજીબાપુની પૂછપરછ થઈ રહી છે. જોકે, પોલીસે અત્યાર સુધી ઝડપેલા ૧૨ આરોપીઓ દ્વારા જેન્તી ભાનુશાલીની હત્યા કઈ રીતે કરાઈ તેની ગૂંચ ઉકેલવા માટે મનજીબાપુની પૂછપરછ અને માહિતી અગત્યનો ભાગ ભજવી શકે તેવુ પોલીસનું માનવું છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે, આ કેસમાં હવે પછી શું નવા કડાકા ભડાકા થાય છે.

(11:44 am IST)