Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વિરપુર રામકથામાં પ્રથમ દિવસે ૨૦ હજાર ભુદેવોની બ્રહ્મચોર્યાસીઃ પૂ.મોરારીબાપુની રામકથામાં વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેશે

વિરપુર (જલારામ),તા.૧૫: સેવાનો જયાં સૂરજ તપે, ભકિત સદા નિષ્કામ છે ધન્ય ધન્ય વીરપુર ધરણી જયાં સંત શ્રી જલારામ છે એવા વીરપુર ગામમાં આજથી બસો વર્ષ પહેલાં પૂજય જલારામ બાપાએ વીસ વર્ષની ઉંમરે સદાવ્રત અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું, અમરેલીના ફતેહપુર ગામના પૂજય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી.

વિક્રમસવંત ૧૮૭૬ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજય બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે આ વર્ષે વિક્રમ સવંત ૨૦૭૬માં એટલે ૧૮ જાન્યુઆરી થી ૨૬જાન્યુઆરી ૨૦૨૦ વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવવામાં આવનાર છે, દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પૂજય મોરારિબાપુની રામ કથા ઉપરાંત અન્ય દ્યણા ભકિતભાવ પૂર્ણ ધ્યાનાકર્ષક કાર્યક્રમો પણ યોજવામાં આવશે સાથે મોરારીબાપુના કથામંડપમાં કદાચ પહેલી જ વખત રાસ ગરબા આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી એકવીસમી જાન્યુઆરીએ નામાંકિત ગાયિકા એશ્વરીયા મજમુદાર અને ત્યારબાદ ત્રેવીસમી જાન્યુઆરીએ સૂફી સંગીતમાં જાણીતા ગાયિકા રિચા શર્મા વીરપુર પધારી શ્રદ્ઘાળુઓને ભાવભકિત ભર્યા સંગીતનું રસપાન કરાવશે.

પૂજય જલારામ બાપાના વીરપુર ધામ ખાતે આવેલા અન્નક્ષેત્રના દ્વિ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે વીરપુર તેમજ આજુબાજુના ગામડાઓ માંથી કુલ ૧૫ થી ૨૦ હજાર બ્રાહ્મણો તેમજ તેમના પરિવારજનોને આમંત્રણ પાઠવીને એમને બ્રહ્મચોર્યાશી કરાવવામાં આવશે જેમાં હોટલ કે બુફે સ્ટાઇલથી નહિ પરંતુ પારંપરિક ભારતીય શૈલીને અનુસરીને તમામ ભુદેવોને ખાસ આગ્રહ કરીને ભોજન પીરસવામાં આવશે.

મોરારીબાપુની રામ કથાના આયોજન માટે ૨૫ થી ૩૦ હજારની બેઠક ધરાવતો એક વિશેષ વિશાળ જર્મન ડોમ બનાવવામાં આવ્યો છે, દ્વિ શતાબ્દી મહોત્સવમાં શ્રધ્ધાળુઓના રોકાણ માટે ૩ થી ૪ હજાર મુલાકાતીઓ માટે વયજૂથના આધારે એમને વીરપુરના જુદાજુદા ગેસ્ટહાઉસ ફાળવવામાં આવ્યા છે, વધારે સખ્યાં થઈ જશે તો ખોડલધામ ખાતે વધારાના બે ગેસ્ટહાઉસ પણ બુક કરવામાં આવ્યા છે, વૃદ્ઘ અથવા બીમાર લોકોને શકય એટલી વધુ સગવડો પુરી કરવામાં આવે એવા પ્રયાસો છે. તદ્ઉપરાંત કથા સ્થળથી સાવ નજીક હજારથી બારસો લોકોનો સમાવેશ થઈ શકે તેવા ઉતારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત એસટી દ્વારા વીરપુર અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવ માટે વધારનારી બસોથી માંડી આજુબાજુના ગામડાઓમાંથી વીરપુર લેવા-મુકવા જેવી ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

વીરપુર ગામવાસીઓને નવે નવ દિવસ માટે દ્યેર ચૂલો ન જલાવવો હોય તો કથા સ્થળના પ્રસાદ ભવનમાં ભોજન લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તથા વીરપુર ગામ તેમજ આજુબાજુના ગામના હજારો સ્વંયમ સેવકો આ દ્વિ શતાબ્દી મહોત્સવ માં પોતાની સેવા આપશે.

જલિયાણધામ વીરપુરમાં પૂજય જલારામ બાપાએ શરૂ કરેલા અન્નક્ષેત્ર દ્વિ શતાબ્દી મહોત્સવમાં ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ કેન્દ્રિય મંત્રી પરસોત્ત્।મભાઈ રૂપાલાની પણ આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિત રહેશે.

છેલ્લા વીસ વર્ષથી વીરપુર જલારામધામ ખાતે કોઈપણ પ્રકારની ભેટ સૌગાદો કે દાન સ્વીકારવામાં આવતું નથી. બસો વર્ષથી અન્નક્ષેત્ર અવિરત પણે ચાલી રહ્યું છે એ જલારામ બાપાનો સૌથી મોટો ચમત્કાર છે એવું પૂજય જલારામ બાપાના વંશજ ભરતભાઇ ચાંદ્રાણીએ જણાવ્યું હતુ.(૨૨.૨)

(11:13 am IST)