Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કચ્છમાં ફેકટરી માલિકને બ્લેકમેઇલ કરી ૫૦ હજાર રૂપિયા રંગે હાથ લેતાં આરટીઆઇ એકટીવીસ્ટ ઝડપાયો

માનવ અધિકાર, ભ્રષ્ટાચાર નિવારણ અને આરટીઆઇ એકટીવીસ્ટ તરીકેના લોગો કાર ઉપર ચિતરાવી, સામાજિક કાર્યકર બની બ્લેકમેઇલ કરતો હતો, બે લાખની માંગણી

ભુજ,તા.૧૫:  કચ્છના એક જાગૃત ફેકટરી માલિકે બ્લેકમેઇલિંગને તાબે થયા વિના કહેવાતા આરટીઆઇ એકટીવીસ્ટ અને સામાજિક આગેવાન બની ફરનારને પોલીસની મદદથી ઝડપી પાડયો હતો. આ કેસમાં ભુજ બી ડિવિઝન પોલીસે મુન્દ્રા તાલુકાના ટૂંડા ગામના મયુર આતુભાઈ મહેશ્વરી (બળિયા)ને રંગે હાથ ભુજના જુના એસટી બસ સ્ટેશન વિસ્તારમાંથી ૫૦ હજારની રોકડ લેતા ઝડપી પાડ્યો હતો.

માંડવીના નાના આસંબીયા ગામે બેંટોનાઈટનું પલવરાઇઝિંગ કરતી વે બેન્ટ નામની ફેકટરી વિશે આરટીઆઇ કરી ગ્રામ પંચાયતમાંથી માહિતી મેળવ્યા બાદ આરોપી મયુર બળિયા દ્વારા ફેકટરી માલિક લક્ષ્મીચંદ કારાણીને ફોન કરી રૂપિયા માંગવામાં આવ્યા હતા.

આ અંગે ફેકટરી માલિક વતી તેમના કર્મચારી અને ડ્રાઈવર શિવજી આસમલ ગરવાએ બ્લેકમેઇલિંગ કરનાર મયુર બળિયા સાથે વાતચીત ચાલુ રાખતા મયુરે ત્રણ લાખ રૂપિયા આપવા અને ન આપે તો મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. જોકે, મયુરે આ ત્રણ લાખ માંથી બે લાખ પોતે રાખશે તેમ જ એક લાખ ડ્રાઇવર અને ફરિયાદ કરનાર શિવજીને આપશે એવું જણાવ્યું હતું. ગત ૨૦૧૯ના જૂન મહિનાથી શરૂ થયેલા આ સિલસીલા બાદ છેલ્લે મયુરે પૈસા આપવા નહિ તો પરિણામ ભોગવવા ધમકી આપ્યા બાદ પોલીસની મદદ લેવાઈ હતી.

જે દરમ્યાન ગઈકાલે ૫૦ હજાર રૂપિયા લેતાં બ્લેકમેઇલર મયુર બળિયા રંગે હાથ પોલીસ દ્વારા ઝડપાઇ ગયો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં છેલ્લા દ્યણા સમયથી વિવિધ સંસ્થાઓ અને આરટીઆઇ ઓઠા તળે બ્લેકમેઇલિંગના બનાવો વધી રહ્યા છે.(૨૨.૯)

(11:08 am IST)