Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બળધોઇ ડુંગર પાસે કારે બાઇકને હડફેટે લેતા પિતા-પુત્રીના મોતઃ માતા ગંભીર

આટકોટઃ. રાજકોટ આટકોટ રોડ ઉપર આવેલ બળધોઈ ડુંગર પાસે ઈન્ડીકા કાર અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા પિતા અને પુત્રીના મોત થયા હતા જ્યારે માતાને પગમાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા આટકોટ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ જસદણના બળધોઈ ગામે રહેતા નારણભાઈ માંડણભાઈ સુવાંણ (કોળી) પોતાની પત્નિ અને પુત્રીને મોટર સાયકલ ઉપર લઈ વાડીએ જતા ત્યારે રાજકોટ આટકોટ રોડ ઉપર પાછળથી પૂરઝડપે આવતી ઇન્ડીકા કારે હડફેટે લેતા નારણભાઇનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તેમની પુત્રી રસીલાને દવાખાને લઇ જતાં રસ્તામાં મૃત્યુ થયું હતું. જયારે તેમની પત્ની સવિતાબેનને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડયા છે.

આ બનાવમાં ઇન્ડીકા કારે બાઇકને પાછળથી હડફેટે લેતા બાઇક અને ત્રણેય સવારો પ૦ ફૂટ જેટલા ઢસડાયા હતાં બાદમાં કાર ઇલે. પોલ સાથે અથડાઇ ખેતરમાં પહોંચી ગઇ હતી.

નજરે જોનારાના જણાવ્યા મુજબ કાર કુલ સ્પીડમાં હતી અને કારે બાઇકને હડફેટે લીધા બાદ ઇલે. .પોલ સાથે અથડાતા પોલ પણ તુટી ગયો હતો.

આ બનાવની જાણ થતા જસદણ તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ મનસુખભાઇ જાદવ તાત્કાલીક ઘટના સ્થળે પોહંચી ઘાયલોને સારવારમાં ખસેડયા હતા.

આટકોટ પોલીસના પીએસઆઇ ચૌધરી મેડમ, નરેન્દ્રભાઇ, ગોવિંદભાઇ સહીતના ઘટના સ્થળે પહોંચી થઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટયો હતો.

(3:35 pm IST)