Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મોરબી પાંજરાપોળ પર ગૌપ્રેમીઓ વરસ્યાઃ ૨૩.૪૦ લાખનું દાન મળ્યું

ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર અપાઇ

મોરબી તા.૧૫: પુણ્યના પર્વ તરીકે ઓળખાતા મકરસંક્રાંતિ પર્વની મોરબીમાં આનંદ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારથી સાંજ સુધી પતંગ રસીયાઓની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજવા સાથે ધાબાઓ ધબકતા રહ્યાં હતા. બીજીબાજુ આ પર્વ એટલે ગાયોને દાનપુન કરવાનું પર્વ માનવામાં આવે છે. અને મોરબી ઉપરાંત મોરબી પંથકમાં અનેક ગૌશાળાઓ આવેલી છે અને તેમાં નજાતા ગૌવંશ માટે ગૌપ્રેમીઓ શહેરભરમાં ગૌમાતા માટેનું દાન એકત્ર કરવા સ્ટોલ ઉભા કરી લોકોને ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી રહ્યાં હતા.

આ તકે મોરબીમાં પાંજરાપોળના નિભાવ માટે ૪૨૦૦ ગાંવંશનો જઠરાગ્નિ ઠારવા માટે કુલ ૧૯ સ્ટોલ નાંખવામાં આવ્યા હતા અને મોરબી પંથકના પ્રજાજનો, ઉદ્યોગકારો મન મુકીને વરસી પડયા હોય તેમ સાંજ પડતાં પડતાં ૨૩.૪૦ લાખનું દાન એકત્ર થઇ ગયું હતું.

મોરબી પાંજરાપોળ માટે તન-મન-ધનથી સમર્પિત અગ્રણી ઉદ્યોગપતિ અને  પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઇ પટેલ (બોસ) એ જણાવ્યું હતું કે, હરહંમેશા પાંજરાપોળ માટે, ગાયોના નિભાવની ચિંતા કરતા બજરંગ ધૂન મંડળ દ્વારા આર્થિક સહયોગ સાંપડયો હતો. ટ્રસ્ટીઓ હિતેષભાઇ ભાવસાર, ગૌપ્રેમી વશરામ બાપા સહિતનાઓએ  દાન એકઠુ કરવા ભારે જહેમત ઉઠાવી હતી. રાષ્ટ્રિય શાળાના બાળ વિદ્યાર્થીઓએ પણ ગૌમાતા માટે ૨૫૪૧નુંદ ાન આપી પોતાનો ગૌપ્રેમ ઉજાગર કર્યો હતો. તમામ ગૌ પ્રેમીઓનો વેલજીભાઇએ આભાર વ્યકત કર્યો હતો.

(12:01 pm IST)